નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે, તેણે જણાવ્યું છે કે તે વિશ્વભરમાં ટી20માં રમવાનું ચાલુ રાખશે. જોકે, વર્તમાનમાં ભારત રમવા આવેલી વેસ્ટ ઈન્ડિઝની ટી20 ટીમમાં તેને સ્થાન અપાયું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રાવોએ નિવૃત્તિની જાહેરાત કરતા જણાવ્યું કે, "હું એ સ્પષ્ટ કરવા માગું છું કે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં તમામ સ્વરૂપોમાંથી આધિકારિકક રીતે સંન્યાસ લઈ લીધો છે. 14 વર્ષ પહેલાં મેં વેસ્ટ ઈન્ડિઝ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને મને આજે પણ એ ક્ષણ યાદ છે, જ્યારે મને મરૂન કેપ મળી હતી."


35 વર્ષના બ્રાવોએ જણાવ્યું કે, "જુલાઈ 2004માં ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ક્રિકેટના મેદાન પર મને આ મરૂન કેપ મળી હતી. એ સમયે જે ઉત્સાહ અને જુસ્સાનો મેં અનુબવ કર્યો હતો તેને મારી સંપૂર્ણ કારકિર્દી દરમિયાન જાળવી રાખ્યો છે." તેણે વધુમાં જણાવ્યું કે, "હવે સમય આવી ગયો છે કે નવી પેઢીને આગળ વધવાની તક મળે."


બ્રાવોએ 2004માં પદાર્પણ કર્યા બાદ અત્યાર સુધી 40 ટેસ્ટ, 164 વન ડે અને 66 ટી20 મેચ રમી છે. બ્રાવોએ 40 ટેસ્ટમાં 2200 રન અને 86 વિકેટ લીધી છે. 164 વન ડેમાં તેણે 2968 રન બનાવ્યા છે અને 199 વિકેટ લીધી છે. ટી20માં 52 વિકેટ લેવાની સાથે તેણે 1142 રન બનાવ્યા છે. 


ક્રિકેટ ઉપરાંત બ્રાવો તેના હીટ ગીત 'ચેમ્પિયન્સ' દ્વારા પણ ભારતમાં ખુબ જ ચર્ચામાં રહ્યો હતો, જે ભારતમાં 2016માં વિશ્વ ટી20 કપમાં વેસ્ટ ઇન્ડિઝના વિજયી અભિયાન દરમિયાન ટીમનું આધિકારીક ગીત હતું. 



વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી વન ડે મેચ ભારત સામે ધર્મશાળામાં 2014માં રમી હતી. આ પ્રવાસ દરમિયાન બોર્ડ સાથે વેતનના વિવાદના કારણે સમગ્ર ટીમ અધુરો પ્રવાસ છોડીને સ્વદેશ પાછી ફરી ગઈ હતી. બ્રાવો એ સમયે વેસ્ટ ઈન્ડિઝ ટીમનો કેપ્ટન હતો. 


બ્રાવોનો નવો વિવાદ
બે અઠવાડિયા પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝની 50 ઓવરની ટૂર્નામેન્ટ સુપર50 કપ દરમિયાન ક્રિકેટ બોલના બદલે ટેનિસ બોલથી બોલિંગ કરી હતી. 11 ઓક્ટોબરના રોજ ટ્રિનિદાદ ટોબેગો અને વેસ્ટ ઈન્ડિઝ બી વચ્ચેની મેચમાં બ્રાવોએ એક ઓવર દરમિયાન ક્રિકેટ બોલના બદલે ટેનિસના બોલથી બોલિંગ કરી હતી. અમ્પાયર જેકલીન વિલિયમ અને વી.એમ. સ્મિથે પણ તેની સામે વાંધો ઉઠાવ્યો ન હતો. 


બેટ્સમેન કિમાની મેલિયસે વાંધો ઉઠાવ્યો તો અંપાયરે તેના તરફ ધ્યાન આપ્યું ન હતું. વેસ્ટ ઈન્ડિઝના સિનિયર મેજનર રોનાલ્ડ હોલ્ડરે જણાવ્યું કે, તેઓ અત્યારે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને વધુ કંઈ કહી શકાય એમ નથી. આ મેચ આંતરરાષ્ટ્રીય ન હોવાને કારણે આઈસીસીએ પણ તેમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો છે. વેસ્ટ ઈન્ડિઝનું ક્રિકેટ બોર્ડ સમગ્ર ઘટનાની વિસ્તૃત તપાસ કરી રહ્યું છે. એવું કહેવાય છે કે, આ વિવાદને કારણે બ્રાવોએ રાજીનામું આપ્યું છે.