ફ્લોરિડાઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝની પ્રથમ મેચ સેન્ટ્રલ બ્રોવાર્ડ રીઝનલ પાર્ક સ્ટેડિયમમાં રમાઇ હતી. જેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 4 વિકેટે પરાજય આપીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને ભારતે વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે પોલાર્ડના 49 રનની મદદથી 20 ઓવરમાં 9 વિકેટે 95 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 17.2 ઓવરમાં 6 વિકેટે 98 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની ખરાબ શરૂઆત
વેસ્ટ ઈન્ડિઝે આપેલા સામાન્ય લક્ષ્યના પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 4 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ઈજા બાદ વાપસી કરી રહેલ શિખર ધવન (1) રન બનાવી કોટરેલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા (24)ને નરેને આઉટ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો. રોહિતે 25 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રિષભ પંત (0)ને નરેને કોટરેલના હાથે કેચ કરાવીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. 

વેસ્ટ ઈન્ડિઝની વિકેટ્સ
ભારત માટે વોશિંગટન સુંદરે બોલિંગની શરૂઆત કરી અને બીજા બોલ પર કૈમ્પબેલને ક્રુણાલ પંડ્યાના હાથે કેચ કરાવ્યો હતો. ભુવનેશ્વર કુમાર બીજા છેડે બોલિંગ કરવા આવ્યો હતો. ભુવીએ બીજી ઓવરના અંતિમ બોલ પર ઇવિન લુઇસને બોલ્ડ કરીને વિન્ડીઝનો બીજો ઝટકો આપ્યો હતો. 


પાંચમી ઓવરમાં બોલિંગમાં ફેરફાર કરતા પર્દાપણ કરી રહેલા નવદીપ સૈનીને બોલાવવામાં આવ્યો હતો. સૈનીએ નિકોલન પૂરનને પંતના હાથે કેચ કરાવી વિન્ડીઝને ત્રીજો ઝટકો આપ્યો હતો. નિકોલસ પૂરન 16 બોલમાં 20 રન બનાવી આઉટ થયો હતો. 


ત્યારબાદના બોલ પર સૈનીએ શેમરોન હેટમાયરને બોલ્ડ કરીને ચોથો ઝટકો આપ્યો હતો. હેટમાયર શૂન્ય પર આઉટ થયો હતો. પાંચ ઓવર બાદ વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 28/4 હતો. છઠ્ઠી ઓવરમાં ખલીલ અહમદે રોવમૈન પોવેલને પંતના હાથે કેચ કરાવીને વેસ્ટ ઈન્ડિઝને પાંચમો ઝટકો આપ્યો હતો. 


ત્યારબાદ પોલાર્ડ અને કાર્લોસ બ્રેથવેટ (9)એ છઠ્ઠી વિકેટ માટે 34 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 67 રન હતો ત્યારે ક્રુણાલ પંડ્યાએ બ્રેથવેટને આઉટ કરીને વિન્ડીઝને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. સુનીલ નરેન 2 રન બનાવીને રવીન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. કીમો પોલ (3)ને ભુવનેશ્વર કુમારે આઉટ કર્યો હતો. કીરન પોલાર્ડ 49 રન બનાવી સૈનીનો શિકાર બન્યો હતો. પોલાર્ડે 49 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.  


ભારત તરફથી નવદીપ સૈનીએ ત્રણ અને ભુવનેશ્વર કુમારે બે વિકેટ ઝડપી હતી. આ સિવાય વોશિંગટન સુંદર, ખલીલ અહમદ, રવીન્દ્ર જાડેજા અને ક્રુણાલ પંડ્યાને એક-એક સફળતા મળી હતી. 


પ્લેઇંગ ઇલેવન
ભારતઃ શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, મનીષ પાંડે, રિષભ પંત, ક્રુણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, વોશિંગટન સુંદર, નવદીપ સૈની, ખલીલ અહમદ.


વેસ્ટ ઈન્ડિઝઃ જોન કૈમ્પબેલ, ઇવિન લુઈસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, કીરોન પોલાર્ડ, રોવમૈન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ, સુનીલ નરેન, કીમો પોલ, શેલ્ડન કોટરેલ, ઓશાને થોમસ.