નવી દિલ્હીઃ એક સમય હતો જ્યારે મેરઠ ક્રિકેટના બેટ માટે જાણીતું હતું. અહીંનું બેટ વિશ્વભરના ક્રિકેટરો ખરીદીને રમતા હતા, પરંતુ હવે આ ધરતી ધમાકેદાર ખેલાડીઓ માટે જાણીતી બની રહી છે. આ ધરતીથી સ્વિંગના સુલ્તાન ભુવનેશ્વર કુમાર આવ્યો હવો અને હવે સમીર રિઝવીનું નામ સામે આવ્યું છે. આ તે સમીર છે, જેને એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયા ખર્ચ કર્યાં છે. ભલે ક્રિકેટ ફેન્સ તેનું નામ ન જાણતા હોય પરંતુ તાજેતરમાં તેણે પોતાની બેટિંગ અને બોલિંગથી ધમાલ  મચાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ નથી જાણતા તો તમને જણાવી દઈએ કે સમીરને આઈપીએલમાં સતત પાંચ સિક્સ ફટકારી ચુકેલા રિંકુ સિંહે ઉત્તર પ્રદેશ માટે પર્દાપણ કેપ આપી હતી. તે રિંકુ સિંહના અંદાજમાં રમે છે. આ વર્ષે ઉત્તર પ્રદેશ ટી20 લીગમાં સમીરે 10 મેચની 9 ઈનિંગમાં 50.56ની એવરેજથી 455 રન ફટકાર્યા હતા, જેમાં 2 સદી અને એક અડધી સદી સામેલ છે. આ ટૂર્નામેન્ટમાં રિઝવીએ 35 સિક્સ અને 38 ચોગ્ગા ફટકાર્યા હતા.


આ પણ વાંચોઃ સ્ટાર્ક બન્યો આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, કોલકત્તાએ 24.75 કરોડ આપી ખરીદ્યો


આ કારણ છે કે ચેન્નઈ સુપર કિંગ્સે સમીર પર આટલો મોટો દાવ લગાવ્યો છે. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી. ચેન્નઈએ પ્રથમ બોલી લગાવી. ત્યારબાદ ગુજરાત ટાઈટન્સે પણ જોર લગાવ્યું હતું. એટલામાં બોલી એક કરોડને પાર પહોંચી ગઈ હતી. બંને ટીમો હાર માનવા તૈયાર નહોતી. બાદમાં દિલ્હી કેપિટલ્સ મેદાનમાં ઉતરી, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સે પીછો છોડ્યો નહીં. આખરે સ્પિન ઓલરાઉન્ડરને ચેન્નઈએ પોતાની ટીમમાં સામેલ કરી લીધો.


ઉલ્લેખનીય છે કે રિઝવી ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનની ઘરેલૂ લીગમાં રમી ચુક્યો છે. મેરઠના રહેવાસી રિઝવીએ કાનપુર સુપરસ્ટાર માટે રમતા લીગમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે ગોરખપુર લાયન્સ વિરુદ્ધ ધમાકેદાર બેટિંગ કરતા 49 બોલમાં 104 રન બનાવ્યા હતા. આ કારણ છે કે દરેક ફ્રેન્ચાઇઝીની નજર તેના પર હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube