Tokyo Olympics: 10 વર્ષની ઉંમરથી ટ્રેનિંગ, પિતા રોજ 40 કિમી દૂર દૂધ-ફળ આપવા જતા, જાણો કોણ છે રવિ દહિયા
ભારતીય પહેલવાન રવિ કુમાર દહિયાએ ટોકિયો ઓલિમ્પિકમાં આજે રમાયેલી 57 કિગ્રા વર્ગના ફ્રી સ્ટાઈલ કુશ્તીના ફાઈનલ મુકાબલામાં રશિયાના પહેલવાન સામે ખુબ લડત લડ્યા બાદ હારનો સામનો કરવો પડ્યો. જો કે આમ છતાં તેઓ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા.
નવી દિલ્હી: ભારતીય પહેલવાન રવિ કુમાર દહિયાએ ટોકિયો ઓલિમ્પિકમાં આજે રમાયેલી 57 કિગ્રા વર્ગના ફ્રી સ્ટાઈલ કુશ્તીના ફાઈનલ મુકાબલામાં રશિયાના પહેલવાન સામે ખુબ લડત લડ્યા બાદ હારનો સામનો કરવો પડ્યો. જો કે આમ છતાં તેઓ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા. રવિ દહિયાએ 2019માં કઝાકિસ્તાનના નૂર સુલ્તાનમાં થયેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. 5 ફૂટ 7 ઈંચની હાઈટવાળા દહિયા પોતાની કેટેગરીમાં સૌથી લાંબા પહેલવાનોમાંથી એક છે.
ખુબ જ મુશ્કેલીઓમાંથી પસાર થયું જીવન
1997માં રવિ દહિયાનો જન્મ હરિયાણાના સોનીપત જિલ્લાના નહરી ગામમાં થયો હતો. તેમના પિતા એક ખેડૂત હતા. પરંતુ તેમની પાસે પોતાની જમીન સુદ્ધા નહતી. તેઓ ભાડાની જમીન પર ખેતી કરતા હતા. 10 વર્ષની ઉંમરથી જ રવિએ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ શરૂ કરી હતી. તેમણે 1982ના એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારા સતપાલ સિંહ પાસેથી ટ્રેનિંગ લીધી છે.
રવિ દહિયાને પહેલવાન બનાવવામાં તેમના પિતાનો મોટો હાથ છે. આર્થિક તંગી હોવા છતાં તેમણે પુત્રની ટ્રેનિંગમાં કોઈ કસર છોડી નહીં. તેમના પિતા રાકેશ દરરોજ પોતાના ગામથી છત્રસાલ સ્ટેડિયમનું 40 કિમીનું અંતર કાપીને રવિ સુધી દૂધ અને ફળ પહોંચાડતા હતા.
Tokyo Olympics: કુશ્તીમાં મોટો ઝટકો, વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી બહાર, દીપક પૂનિયા પણ હાર્યો
જો કે જ્યારે રવિએ 2019માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ જીત્યો હતો ત્યારે પણ તેમના પિતા તેની આ મેચ જોઈ શક્યા નહીં કારણ કે તેઓ તે સમયે કામ કરતા હતા જેથી કરીને રવિ પોતાના સપના પૂરા કરી શકે.
ઈજાથી પરેશાન પરંતુ હાર ન માની
2015 જૂનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં રવિની પ્રતિભા જોવા મળી. તેમણે 55 કિલો કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો. પરંતુ સેમીફાઈનલમાં ઈજાગ્રસ્ત પણ થયા. ત્યારબાદ સીનિયર વર્ગમાં કરિયર બનાવવા દરમિયાન ઈજાના કારણે તેમણે પાછા પણ હટવું પડ્યું. 2017ની સીનિયર નેશનલ્સમાં ઈજાએ તેમને પરેશાન કર્યા હતા. આ કારણે થોડો સમય મેટથી દૂર રહેવું પડ્યું.
તેમને સાજા થવામાં લગભગ એક વર્ષ લાગ્યું હતું. ઈજાના કારણે લાગેલા લાંબા બ્રેક બાદ તેમણે તે જ જગ્યાએથી વાપસી કરી જ્યાંથી છોડી હતી. રવિએ બુખારેસ્ટમાં 2018 વર્લ્ડ અંડર 23 રેસલિંગ ચેમ્પિયનશીપમાં 57 કિલોની કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો.
તેમણએ 2019ની વર્લ્ડ ચેમ્પિયનશીપના સિલેક્શન ટ્રાયલમાં સીનિયર રેસલર ઉત્કર્ષ કાલે અને ઓલિમ્પિયન સંદીપ તોમરને હરાવ્યા. 2020 પણ રવિ માટે સારો રહ્યો. કોરોના અગાઉ માર્ચમાં દિલ્હીમાં થયેલી એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં તેમણે ગોલ્ડ જીત્યો હતો.
સેમી ફાઈનલમાં કઝાખિસ્તાનના પહેલવાનને આપી માત
57 કિલોગ્રામ વર્ગની સેમીફાઈનલ મેચમાં રવિ દહિયાએ કઝાખિસ્તાનના પહેલવાન નુરઈસ્લામ સનાયેવને માત આપી હતી. સેમી ફાઈનલમાં દહિયાએ નુરઈસ્લામ સનાયેવને 7-9ના સ્કોરથી માત આપી જીત મેળવી હતી. તેઓ આ રાઉન્ડમાં 7 અંકથી પાછળ હતા, પરંતુ તેમણે અંતમાં પોતાના વિરોધીને માત આપતા શાનદાર વાપસી કરી હતી.
Tokyo Olympics: રવિ કુમાર દહિયાએ ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, ફાઇનલમાં થયો પરાજય
સુશીલ બાદ બીજા પહેલવાન
ભારત માટે સૌથી પહેલા દિગ્ગજ પહેલવાન સુશીલકુમારે લંડન ઓલિમ્પિક 2012માં સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ જો રવિ ગોલ્ડ જીતી લીધો હોત તો તેઓ આવું કરનાર પહેલા પહેલવાન બન્યા હોત. રવિએ આ અગાઉ પણ બધી મેચોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
દહિયા અગાઉ ભારત માટે કુશ્તીમાં સુશીલકુમાર (2008, 2012), યોગેશ્વર દત્ત (2012) અને સાક્ષી મલિક (2016)માં પદક જીતી ચૂક્યા છે. સુશીલ કુમારે લંડન ઓલિમ્પિક 2012માં સિલ્વર મેડલ જીતવા ઉપરાંત બેઈજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે સાક્ષી અને યોગેશ્વરના નામે બ્રોન્ઝ મેડલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube