કોણ બનશે ટીમ ઈન્ડિયાનો આગામી ટેસ્ટ કેપ્ટન? આ ખેલાડીઓના નામ આવ્યા ચર્ચામાં
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આગામી બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે, પરંતુ ત્યારબાદ શું થશે તે કહેવું મુશ્કેલ છે.
નવી દિલ્હીઃ Team India next Test Captain : ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, જ્યાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી20 મેચની સિરીઝ રમવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હાર બાદ ટેસ્ટ ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. પરંતુ તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્મા જ સંભાળશે, પરંતુ આજે નહીં તો આવતીકાલે ભારતે ટેસ્ટ ક્રિકેટ માટે નવા કેપ્ટનને શોધવો પડશે. આ માટે કેટલાક નામોની ચર્ચા ચાલી રહી છે.
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રોહિત રહેશે કેપ્ટન
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચ રમ્યા બાદ ભારતીય ટીમે હાલમાં કોઈ ટેસ્ટ મેચ રમવાની નથી. હવે ભારત ડિસેમ્બર મહિનામાં આફ્રિકાના પ્રવાસે જશે. આ દરમિયાન એશિયા કપ અને વનડે વિશ્વકપનું આયોજન થવાનું છે. માનવામાં આવી રહ્યું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ હાર્યા બાદ પણ ટેસ્ટની કમાન રોહિતની પાસે રહેશે. પરંતુ જો ભારતીય ક્રિકેટ બોર્ડને ટેસ્ટ ક્રિકેટમાં નવા કેપ્ટનની જરૂર લાગશે તો ડિસેમ્બરમાં આફ્રિકાના પ્રવાસ પહેલા નવા કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. આ વચ્ચે ભારતના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને કેટલાક નામોની ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચોઃ આર અશ્વિને જણાવ્યું ટીમ ઈન્ડિયાનું 'કાળુ સત્ય', કહ્યું- દોસ્ત-દોસ્ત ના રહા, હવે તો
શ્રેયસ અય્યર અને રિષભ પંત બની શકે છે ટેસ્ટ કેપ્ટન
અત્યારે ઈજાને કારણે ટીમમાંથી બહાર ચાલી રહેલા રિષભ પંત અને શ્રેયસ અય્યર આગામી ભારતીય ટેસ્ટ કેપ્ટન બનવાના દાવેદારોમાં સામેલ છે. ટેસ્ટમાં રિષભ પંત વિકેટકીપિંગની સાથે નિચલા ક્રમમાં વિસ્ફોટક બેટિંગ પણ કરે છે. તેની પાસે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળવાનો અનુભવ છે. તો અય્યર પણ આઈપીએલમાં કમાન સંભાળી ચુક્યો છે. આ બંને ખેલાડીઓ યુવા પણ છે એટલે કે લાંબા સમય સુધી ટીમની કમાન સંભાળી શકે છે.
જસપ્રીત બુમરાહ અને રાહુલ પણ દાવેદારોમાં સામેલ
જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલને પણ ટેસ્ટ કેપ્ટનના દાવેદારોમાં માનવામાં આવી રહ્યાં છે, પરંતુ હાલમાં આ બંને ખેલાડી ઈજાને કારણે બહાર ચાલી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં પણ આ બંને ખેલાડી જઈ શકશે નહીં. પરંતુ વનડે વિશ્વકપ પહેલા બંને ફિટ થઈ જાય તેવી આશા છે. આ સિવાય ભારતીય ટીમના કેપ્ટન તરીકે શુભમન ગિલને પણ જોવામાં આવી રહ્યો છે. શુભમન ગિલ યુવા છે અને તેને ભારતનો આગામી સ્ટાર ગણવામાં આવી રહ્યો છે. ગિલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પણ ઓપનિંગ કરજો જોવા મળશે. ટીમ ઈન્ડિયાના ભવિષ્ટના કેપ્ટનની રણનીતિ શું હશે તે તો પસંદગીકાર જ નક્કી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube