Wimbledon 2019: નડાલને હરાવી ફેડરર ફાઇનલમાં, હવે જોકોવિચ સામે ટકરાશે
20 ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કરી ચુકેલ રોજર ફેડરર વિમ્બલ્ડન ફાઇનલમાં સર્બિયાના નોવાક જોકોવિચ સામે ટકરાશે.
લંડનઃ 'સ્વિસ કિંગ'ના નામથી જાણીતા રોજર ફેડરરે એકવાર ફરી વિમ્બલ્ડન ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે શુક્રવારે રમાયેલી ડ્રીમ સેમિફાઇનલમાં પોતાના કટ્ટર હરીફ રાફેલ નડાલને પરાજય આપ્યો હતો. ફેડરર વર્ષના ત્રીજા ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં 12મી વખત પહોંચ્યો છે. ફાઇનલમાં તેનો મુકાબલો વિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ સામે થશે. સર્બિયાના નોવાક જોકોવિચે સેમિફાઇનલમાં સ્પેનના રોબર્ટ બોતિસ્તા અગુટને હરાવ્યો હતો. તેણે છઠ્ઠી વખત આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
બીજી વરીયતા પ્રાપ્ત ફેડરરે ત્રીજી વરીયતા પ્રાપ્ત રાફેલ નડાલને 7-6(7-3), 1-6, 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. આ મેચ ત્રણ કલાક બે મિનિટ સુધી ચાલી હતી. ફેડરર હવે રવિવારે વિમ્બલ્ડન જીતવાનો પ્રયત્ન કરશે. તે અત્યાર સુધી આઠ વખત આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી ચુક્યો છે. જ્યારે ત્રણ વખત તેણે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ ફેડરર અને નડાલ વચ્ચે 40મો મુકાબલો હતો. તેમાંથી 16મા ફેડરર અને બાકી 24મા નડાલે જીત મેળવી છે.
રોજર ફેડરરે અત્યાર સુધી કુલ 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પોતાના નામે કર્યાં છે. આ સૌથી વધુ પુરૂષ સિંગલ્સ ગ્રાન્ડસ્લેમ ટાઇટલનો રેકોર્ડ છે. રાફેલ નડાલ (18) અને નોવાક જોકોવિચ (15) ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાન પર છે.