મોહાલીઃ સનરાઇઝર્સ હૈદરાબાદનો ડેવિડ વોર્નર સોમવારે રાત્રે આઈપીએલ મેચમાં આર. અશ્વિનની સામે ખુબ સાવધાન રહ્યો, જેથી 'માંકડિંગ'નો શિકાર ન થઈ જાય. આ ઘટના સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આઈપીએલ મેચ દરમિયાન જોવા મળી હતી. વોર્નરે અશ્વિનની ઓવરમાં સાવધાની રાખી અને ક્રીઝની અંદર જ રહ્યો હતો. બીજા છેડે વોર્નર વારંવાર પોતાનું બેટ ક્રીઝની અંદર કરતો દેખાયો હતો. કેમરાએ આ ઘટના પકડી પાડી અને મોટી સ્ક્રીન પર પણ દેખાડી હતી. આઈપીએલની સત્તાવાર વેબસાઇટ આઈપીએલ ટી20 ડોટ કોમે પણ તેનો વીડિયો અપલોડ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની અડધી સદી અને બંન્ને વચ્ચે સદીની ભાગીદારીથી કિંગ્સ ઈલેવન પંજાબે હૈદરાબાદને છ વિકેટે પરાજય આપ્યો હતો. હૈદરાબાદની ટીમ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર (અણનમ 70)ની સાહસપૂર્ણ ઈનિંગની મદદથી ધીમી શરૂઆત બાદ ચાર વિકેટ પર 150 રન બનાવ્યા હતા. વોર્નરે 62 બોલની ઈનિંગમાં 6 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. 



આ પહેલા અશ્વિને રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં જોસ બટલરને ચેતવણી વિના માંકડિંગ કરી દીધો હતો, જેથી તેની ટીક્કા કરવામાં આવી હતી. રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે 25 માર્ચે રમાયેલા આઈપીએલ મેચમાં પંજાબના કેપ્ટન આર અશ્વિને બોલ ફેંક્યા વિના નોન સ્ટ્રાઇકિંગ પર ઉભેલા જોસ બટલરને રન આઉટ કરીને માંકડિંગ વિવાદને છેડ્યો હતો. તેણે આઉટ કર્યા પહેલા બટલરને ચેતવણી પણ ન આપી. ત્યારબાદ દિગ્ગજ ખેલાડીઓ સહિત ક્રિકેટ કાયદાના સંરક્ષણ માનનારી મેરિલબોન ક્રિકેટ ક્લબે અશ્વિનની આ હરકતને ખેલ ભાવનાની વિરુદ્ધ ગણાવી હતી.