મહિલા ક્રિકેટઃ ઈન્ડિયા રેડ ટી-20 ચેલેન્જરના ફાઇનલમાં, ઈન્ડિયા ગ્રીનને હરાવ્યું
ઈન્ડિયા રેડે ઈન્ડિયા ગ્રીનને હરાવીને ટી20 ચેલેન્જરના ફાઇનલમાં જગ્યા બનાવી જ્યાં તેનો મુકાબલો ઈન્ડિયા બ્લૂ સામે થવાનો છે.
અલુર (કર્ણાટક): ઈન્ડિયા રેડે પોતાની બોલિંગના શાનદાર પ્રદર્શનની મદદથી અલુર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઈંન્ડિયા ગ્રીનને નવ વિકેટે હરાવીને મહિલા ટી-20 ચેલેન્જર ટ્રોફીના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં ઈન્ડિયા રેડનો સામનો સોમવારે ઈન્ડિયા બ્લૂ સામે થશે. આ બંન્ને ટીમો પોઇન્ટ ટેબલમાં પ્રથમ બે સ્થાને રહીને ફાઇનલમાં પહોંચી છે. આ સિવાય આ ટૂર્નામેન્ટમાં ઈન્ડિયા ગ્રીનની ટીમ હતી જે ચાર મેચોમાં માત્ર એકમાં જીતી હતી.
ઈન્ડિયા ગ્રીનની ટીમ 18.4 ઓવરમાં માત્ર 51 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ આસાન લક્ષ્યને ઈન્ડિયા રેડે એક વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈન્ડિયા ગ્રીનને રીમાલક્ષ્મી ઇક્કા અને શિખા પાંડેની જોડીએ મોટી સ્કોરથી વંચિત રાખ્યા. ઇક્કાએ ત્રણ અને પાંડેએ બે વિકેટ ઝડપી હતી. ઈન્ડિયા ગ્રીન માટે પ્રત્યૂશાએ સૌથી વધુ 14 રન બનાવ્યા હતા. તે સિવાય સંજના.એસ (11) બે અંકમાં પહોંચી હતી.
કેપ્ટન દીપ્તિ મેચમાં ફેલ
ઈન્ડિયા રેડની કેપ્ટન દીપ્તિ (1)ના રૂપમાં એકમાત્ર વિકેટ ગુમાવી. તે રનઆઉટ થઈ. પૂનમ રાઉત 26 અને એચ.બી. દેયોલ 24 રન બનાવી અણનમ રહી હતી. ઈન્ડિયા બ્લૂએ લીગ રાઉન્ડનો અંત ચાર મેચોમાં ત્રણમાં વિજય અને એકમાં પરાજય મેળવીને 12 અંક સાથે કર્યો હતો. જ્યારે ઈન્ડિયા રેડ ચાર મેચોમાં બે જીત અને બે હાર સાથે 8 પોઇન્ટ મેળવીને બીજા સ્થાન પર રહી હતી.