દુબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા આઈસીસી ટી-20 વિશ્વકપમાં પાકિસ્તાનને 6 વિકેટે પરાજય આપ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે કારમા પરાજય બાદ હરમનપ્રીત કૌરની સેનાએ વાપસી કરતા ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત મેળવી છે. આ જીત સાથે ભારતે પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલાવી લીધું છે. મેચની વાત કરીએ તો પાકિસ્તાન મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 105 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 18.5 ઓવરમાં 108 રન બનાવી મેચ જીતી લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમની બેટિંગ
પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને જલ્દી પ્રથમ ઝટકો લાગ્યો હતો. સ્મૃતિ મંધાના 7 રન બનાવી આઉટ થઈ હતી. પરંતુ શેફાલી વર્માએ ધીમી પિચ પર ત્રણ ચોગ્ગા સાથે 35 બોલમાં 32 રન બનાવ્યા હતા. જેમિમા રોડ્રિગ્સ 23 રન બનાવી આઉટ થઈ હતી. જ્યારે હરમનપ્રીત કૌર 24 બોલમાં 1 ફોર સાથે 29 રન બનાવી રિટાયર્ડ હર્ટ થઈ હતી. 


અરૂંધતી રેડ્ડીનો કમાલનો સ્પેલ
આ પહેલા પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ સામે ભારતીય બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. કરો યા મરો મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 105 રન પર રોકી લીધું હતું. ભારત તરફથી અરૂંધતી રેડ્ડીએ 4 ઓવરમાં 19 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. તો શ્રેયંકા પાટીલે 4 ઓવરમાં 1 મેડન સાથે 12 રન આપી બે વિકેટ લીધી હતી. આ સિવાય રેણુકા સિંહ, દીપ્તિ શર્મા, આશા શોભનાને એક-એક વિકેટ મળી હતી.


પાકિસ્તાન તરફથી નિડા ડારે 34 બોલમાં 28 રન ફટકાર્યા હતા. આ સિવાય મુનીબા અલીએ 17 રનનું યોગદાન આપ્યું હતું. ફાતિમા સનાએ 8 બોલમાં બે ચોગ્ગા સાથે 13 રન ફટકાર્યા હતા. આ સિવાય સયેદા શાહે 17 રન બનાવ્યા હતા. આ સિવાય પાકિસ્તાનના કોઈ બેટર બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં.