Women world T20: સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ભારત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
આઈસીસી મહિલા ટી20 વિશ્વકપના મહત્વના મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને હરાવી દીધું. આ સાથે સેમીફાઇનલની ટીમો પર પણ નિર્ણય થઈ ગયો છે. ભારતની ટક્કર ઈંગ્લેન્ડ સામે થશે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે.
ગ્રોસ આઇલેટ (સેન્ટ લૂસિયા): ભારતીય ટીમનો સામનો આઈસીસી મહિલા ટી20 વિશ્વકપના બીજા સેમીફાઇનલમાં 2009ની ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે જેને વેસ્ટ ઈન્ડિઝે અંતિમ ગ્રુપ મેચમાં ચાર વિકેટે હરાવ્યું છે. ભારતે ગ્રુપ સ્ટેજની ચારેય મેચ જીતી છે અને તે ઈંગ્લેન્ડ સામે ગત વર્ષે 50 ઓવરના વિશ્વકપ ફાઇનલમાં મળેલા પરાજયનો બદલો લેવા ઈચ્છશે.
હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ટીમે અંતિમ ગ્રુપ મેચમાં ત્રણ વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ગત ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઘ ગ્રુપ-એમાં 8 પોઈન્ટ લઈને ટોપ પર રહી. તેણે અંતિમ લીગ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. હવે 22 નવેમ્બરે પ્રથમ સેમીફાઇનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થશે. અંતિમ ગ્રુપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 8 વિકેટ પર 115 રને રોકી દીધું હતું.
ત્યારબાદ ત્રણ બોલ બાકી રહેતા લક્ષ્યને હાસિલ કરી લીઘો હતો. દેવેન્દ્ર ડોટિને 52 બોલમાં 48 રન બનાવ્યા હતા. ટોસ જીત્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ બોલર શાકેરા સલમાને બે વિકેટ ઝડપીને શાનદાર શરૂઆત અપાવી હતી. ઈંગ્લેન્ડની 6 વિકેટ 50 રનના સ્કોર પર પડી ગઈ હતી પરંતુ સોફિયા ડંકલે (35) અને આન્યા શ્રબસોલે (29) 58 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો.
ત્યારબાદ શ્રબસોલેએ પોતાની પ્રથમ ઓવરમાં મેથ્યૂઝ અને સ્ટેફની ટેલરને આઉટ કરી દીધી હતી. ડોટિન અને શેમેઇન કેમ્પબેલે 68 રનની ભાગીદારી કરીને ટીમને સંકટમાંથી ઉગારી હતી. વિન્ડીઝને અંતિમ ત્રણ ઓવરમાં 26 રનની જરૂર હતી. કેમ્પબેલને 19મી ઓવરમાં બે જીવનદાન મળ્યા અને તેણે ટીમને જીત અપાવી દીધી હતી.
સેમીફાઇનલનો કાર્યક્રમ
પ્રથમ સેમીફાઇનલઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, 23 નવેમ્બર, રાત્રે 1.30 કલાકે
બીજી સેમીફાઇનલઃ ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 23 નવેમ્બર, સવારે 5.30 કલાકે