Women`s Cricket: અનુપા પાટિલનો ઓલરાઉન્ડર દેખાવ, ભારતે લંકા પર બનાવી અજેય લીડ
અનુજા પાટિલના ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી પાંચ મેચોની ટી-20 શ્રેણીની ચોથી મેચ ભારતે જીતી લીધી હતી.
કોલંબોઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા વિરુદ્ધ પાંચ મેચોની ટી-20 શ્રેણીના ચોથા મેચમાં સોમવારે યજમાન ટીમને સાત વિકેટે પરાજય આપ્યો હતો. આ જીતની સાથે ભારતે શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી લીદી છે. શ્રેણીની બીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. મેદાન ભીનું હોવાને કારણે આ મેચ પણ 17-17 ઓવરની કરવામાં આવી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત સારી રહી અને કેપ્ટન ચમારી અટાપટ્ટુ (31) અને યસોદા મેન્ડિસ (19)ની સાથે મળીને પ્રથમ વિકેટ માટે 27 રન જોડ્યા હતા. મેન્ડિસ આઉટ થયા બાદ યજમાન ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને 17 ઓવરમાં 5 વિકેટે 134 રન બનાવી શકી હતી. શશિકલા શ્રીવર્ધને સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. ભારત તરફથી અનુજા પાટિલે ત્રણ અને દિપ્તી શર્મા તથા રાધા યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી અને 18 રનના કુલ સ્કોર પર મહેમાન ટીમના બંન્ને ઓપનરો મિતાલી રાજ (11) અને સ્મૃતિ મંધાના (5) આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ 18 વર્ષીય જેમિમા રોડ્રિગેજ (52 અણનમ) અને અનુજા પાટિલ (54 અણમ)ની દમદાર ઈનિંગની મદદથી ભારતને જીત અપાવી હતી. તનિયા ભાટિયાએ પાંચ રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી ઓશાદી રાણાસિંઘેએ ત્રણ વિકેટ લીધી. શ્રેણીની અંતિમ મેચ મંગળવારે રમાશે.
ત્રીજી મેચમાં ભારતે લંકાને પાંચ વિકેટે હરાવ્યું હતું
ભારતીય ક્રિકેટ ટીમે શનિવારે શ્રેણીની ત્રીજી મેચમાં યજમાન ટીમને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. આ જીતની સાથે ભારતે શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા લંકાએ 20 ઓવરમાં 8 વિકેટે 131 રન બનાવ્યા હતા. યજમાન ટીમ માટે શશિકલા શ્રીવર્ધનેએ સૌથી વધુ 35 રન બનાવ્યા તો નીલાક્ષી ડી સિલ્વાએ 31 અને કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 28 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય ટીમે જેમિમા રોડ્રિગજના 57 રનની મદદથી આ મેચ જીતી લીધી હતી. આ સિવાય હરમનપ્રીત કૌરે 24 રનનું યોગદાન આપ્યું હતું.