કાતુનાયકે (શ્રીલંકા): ભારતીય મહિલા ટીમે પાંચમી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાને 51 રને હરાવ્યું છે. આ સાથે ભારતે પાંચ મેચોની શ્રેણી 4-0થી જીતી લીધી છે. ભારતની જીતમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે અડધી સદી ફટકારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરમનપ્રીતે 38 બોલમાં 3 ફોર અને 5 સિક્સની મદદથી 63 રન બનાવ્યા હતા. તેણે યુવા જેમિમા રોડ્રિગ્સ (31 બોલમાં 46 રન)ની સાથે ત્રીજી વિકેટ માટે 75 રન જોડીને ટીમને શરૂઆતી ઝટકામાંથી બહાર કાઢી હતી. આ ભાગીદારી તુટ્યા બાદ ભારતીય ટીમનો ધબડકો થયો અને પૂરી ટીમ 18.3 ઓવરમાં 156 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 


શશિકલા સિરીવર્ધને અને ઇનોશી પ્રિયદર્શિનીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને પોતાની ટીમની વાપસી કરાવી, પરંતુ શ્રીલંકન બેટ્સમેનો માટે લક્ષ્ય પડકારજનક હતો. ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરતા લંડન ટીમ 17.4 ઓવરમાં 105 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી અનુષ્કા સંજીવનીએ સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. 



લેગ સ્પિનર પૂનમ યાદવ ભારત તરફથી સૌથી સફળ બોલર રહી હતી. તેણે 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ઓફ સ્પિનર દીપ્તિ શર્મા (18 રન બે વિકેટ) અને સ્પિનર રાધા યાદવ (14 રન બે વિકેટ) ઝડપીને સારો સાથ આપ્યો હતો.