નવી દિલ્હીઃ એમસી મેરીકોમ સહિત ચાર ભારતીય બોક્સરોએ આઈબા વર્લ્ડ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મેરીકોમે પોતાના મેચમાં કઝાકિસ્તાનની એજરિમ કાસેનાએવાને હરાવી હતી. જ્યારે સરિતા દેવીને લાઇટવેટ કેટેગરીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન મેરીકોમે આઈબા ચેમ્પિયનશિપમાં 48 કિલોગ્રામમાં કઝાકિસ્તાનને એજરિમ કાસેનાયેવાને 5-0થી પરાજય આપ્યો હતો. મેરીકોમનો આ પ્રથમ મેચ હતો. તેને પ્રથમ રાઉન્ડમાં બાય મળી હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો ચીનની વૂ યૂ સે સામે થશે. ચીનની આ ખેલાડીએ પહેલા ફિલીપીન્સની જોસી ગાબુઓને પરાજય આપ્યો હતો. મેચ બાદ મેરીકોમે કહ્યું, મને સારો અનુભવ થઈ રહ્યો છે. દબાવ દૂર થઈ ગયો. હું ખુશ છું કે, આશા પ્રમાણે પ્રદર્શન કરી શકી. જે રીતે દર્શકોનું સમર્થન મળ્યું, તેણે મારી અંદરના ઉત્સાહને બમણો કરી દીધો હતો. 


એલ સરિતા દેવીને લાઇટવેટ કેટેગરી (60 કિલો)માં આયર્લેન્ડની કૈલી હૈરિંગટન સામે 2-3થી પરાજયનો સામનો કરવો પડ્યો. યૂરોપિયન વિજેતા 28 વર્ષની કેલીની જીતનું કારણ ત્રીજો રાઉન્ડ રહ્યો, જ્યાં આયરિશ બોક્સરે સરિતાને બેકફૂટ પર રાખી હતી. 36 વર્ષની સરિતા પ્રથમ બે રાઉન્ડમાં વિપક્ષી ખેલાડી પર હાવી હતી. સરિતાએ કહ્યું, મને લાગે છે કે હું થોડી દુર્ભાગ્યશાળી રહી. કેટલાક પોઈન્ટ મારા પક્ષમાં ન આવ્યો. 


આ પહેલા બપોરે રમાયેલા મેચમાં મનીષા મોને 54 કિલો વર્ગમાં હાલની વિશ્વ વિજેતા કઝાકિસ્તાનની ડાયના ઝોલામૈનને 5-0થઈ પરાજય આપતા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ મનીષાની કઝાકિસ્તાનની બોક્સર પર સતત બીજી જીત છે. તેણે આ પહેલા ડાયનાને પોલેન્ડમાં હરાવી હતી. મનીષાએ કહ્યું, હું તેને પહેલા હરાવી ચુકી હતી. મેં મારી ઝડપ પર ધ્યાન આપ્યું અને મારા લક્ષ્ય પર નજર રાખી. પ્રથમ બે રાઉન્ડ સારા રહ્યાં પરંતુ ત્રીજા રાઉન્ડમાં અમે બંન્ને બરાબરી પર હતા. ક્વાર્ટર ફાઇનલમાં મનીષાની ટક્કર સ્ટોયકા ઝેલયાકોવા સામે થશે, જેણે ઉઝ્બેકિસ્તાનની તુરસુનોય રાખિમોવાને 4-1થી હરાવી હતી. 


બીજીતરફ લવલીના બોરગોહેને પણ શાનદાર પ્રદર્શન કરતા 69 કિલો વર્ગના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પનામાની અથેયના બાયલોનને પરાજય આપ્યો હતો.