કાર્ડિફઃ આઈસીસી વિશ્વ કપ 2019ની સોફિયા ગાર્ડન્સ પર રમાયેલી 12મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે બાંગ્લાદેશને 106 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં બીજો વિજય મેળવ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે જેસન રોય (153) અને જોસ બટલર તથા જોની બેયરસ્ટોની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 6 વિકેટે 386 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 48.5 ઓવરમાં 280 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશની ટીમ તરફથી શાકિબ અલ હસને સૌથી વધુ 121 રન ફટકાર્યા હતા. તો ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે 30 રન આપીને ત્રણ તથા બેન સ્ટોક્સે 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશનો આ ત્રણ મેચમાં બીજો પરાજય છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશની ખરાબ શરૂઆત
સૌમ્ય સરકાર બે રન બનાવી જોફ્રા આર્ચરના બોલ પર બોલ્ડ થયો હતો. તમીમ ઇકબાલ 19 રન બનાવીને માર્ક વુડનો શિકાર બન્યો હતો. મુશફિકુર રહીમ 44 રન બનાવીને લિયામ પ્લંકેટના બોલ પર આઉટ થયો હતો. તેણે શાકિબ સાથે ત્રીજી વિકેટ માટે 106 રનની ભાગીદારી કરી હતી. મોહમ્મદ મિથુન શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. મોસાદેક હુસૈન 16 બોલ પર 26 રન બનાવી આઉટ થયો હતો. મહમૂદુલ્લાહ 28 રન બનાવી માર્ક વુડને શિકાર બન્યો હતો. 


શાકિબ વિશ્વકપમાં સદી ફટકારનાર બીજો બાંગ્લાદેશી ક્રિકેટર
શાકિબ અલ હસન 121 રન બનાવી આઉટ થયો હતો. તેણે વિશ્વકપમાં પ્રથમ અને કરિયરની આઠમી સદી ફટકારી હતી. શાકિબે 119 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તે વિશ્વકપના ઈતિહાસમાં સદી ફટકારનાર બીજો બાંગ્લાદેશી ક્રિકેટર બની ગયો છે. આ પહેલા 2015ના વિશ્વકપમાં મહમૂદુલ્લાહે બે સદી ફટકારી હતી. 


જેસન રોયની સદી, બટલર અને બેયરસ્ટોની અડધી સદી 
બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 386 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ માટે જેસન રોયે સદી અને જોસ બટલર-જોની બેયરસ્ટોએ અડધી સદી ફટકારી હતી. રોયે 121 બોલની ઈનિંગમાં 153 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ સદી છે. 


ઈંગ્લેન્ડે બે વાર ભારત વિરુદ્ધ 330+ રન બનાવ્યા
ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડનો પાછલો હાઇએસ્ટ સ્કોર 8 વિકેટ પર 338 રન હતો. આ તેણે 2011 વિશ્વકપમાં ભારત વિરુદ્ધ બનાવ્યો હતો. આ પહેલા તેણે 1975માં ભારત વિરુદ્ધ 4 વિકેટ પર 334 રન બનાવ્યા હતા. 


બેયરસ્ટો-રોય વચ્ચે સદીની ભાગીદારી
આ પહેલા જોની બેયરસ્ટોએ પણ અડધી સદી ફટકારી હતી. તે 50 બોલ પર 51 રન બનાવીને મુશરફે મોર્તજાના બોલ પર આઉટ થયો હતો. બેયરસ્ટોની સાથે રોયે પ્રથમ વિકેટ માટે 128 રનની ભાગીદારી કરી હતી. જો રૂટ 21 રન બનાવીને સૈફુદ્દીનના બોલ પર બોલ્ડ થયો હતો. તેણે રોયની સાથે 77 રનની ભાગીદારી કરી હતી. 


બટલર-મોર્ગન વચ્ચે 95 રનની ભાગીદારી 
જોસ બટલર 44 બોલ પર 64 રન બનાવીને આઉટ થયો હતો. તેણે મોર્ગન સાથે ચોથી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. બટલરે પોતાની ઈનિંગમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. તેને સૈફુદ્દીને આઉટ કર્યો હતો. કેપ્ટન ઈયોન મોર્ગન 33 બોલ પર 35 રન બનાવીને આઉટ થયો હતો. 


અંતમાં વોક્સ-પ્લંકેટની આક્રમક બેટિંગ
બેન સ્ટોક્સ (6)ને મુસ્તફિઝુર રહમાને આઉટ કર્યો હતો. અંતમાં ક્રિસ વોક્સ અને લિયામ પ્લંકેટે માત્ર 17 બોલમાં 45 રનની ભાગીદારી કરી હતી. વોક્સ 8 બોલમાં 2 છગ્ગા સાથે 18 અને પ્લંકેટ 9 બોલમાં ચાર ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 27 રન બનાવી અણનમ રહ્યો હતો. 


બાંગ્લાદેશ માટે મોહમ્મદ સૈફુદ્દીન અને મેહદી હસને બે-બે વિકેટ ઝડપી હતી. મુશરફે મુર્તજા અને મુસ્તફિઝુરને એક-એક સફળતા મળી હતી.