નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લેન્ડમાં ઐતિહાસિક જીત બાદ વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ સ્વદેશ પરત આવી પહોંચી અને આજે તેણે કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેની સાથે કોચ ગોપીચંદ પણ હાજર રહ્યાં હતા. રિજિજૂ બાદ પીવી સિંધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુ સાથે મુલાકાત પર ટ્વીટ કર્યું અને તેને ભારતનું ગૌરવ ગણાવ્યું હતું. વડાપ્રધાને વર્લ્ડ ચેમ્પિયન અને ભવિષ્ય માટે સિંધુને શુભેચ્છા આપી હતી. આ મુલાકાત બાદ કિરણ રિજિજૂએ કહ્યું કે, પીવી સિંધુએ ઈતિહાસ રચ્યો અને પ્રથમવાર બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. તેની આ સફળતા પર મારા તરફથી શુભકામનાઓ. 



આ પહેલા ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા સિંધુએ રવિવારે સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં બીડબ્લ્યૂએફ બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ-2019ની ફાઇનલમાં વિશ્વની ચોથા નંબરની ખેલાડી જાપાનની નોઝોમી ઓકુહારાને સીધી ગેમમાં 21-7, 21-7થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 




આ જીત સાથે સિંધુ વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. તે આ પહેલા બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપમાં વર્ષ 2017 અને 2018મા સિલ્વર તથા 2013 અને 2014મા બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે અને તેના પાંચ મેડલ થઈ ગયા છે. 


સિંધુની ઐતિહાસિક જીત પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને શુભેચ્છા આપી હતી.