આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની 37મી મેચ વર્તમાન વિજેતા ઓસ્ટ્રેલિયા અને ઉપ વિજેતા ન્યૂઝિલેન્ડ વચ્ચે લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાઈ. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ન્યૂઝિલેન્ડને 86 રનથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને નિર્ધારીત 50 ઓવરોમાં 9 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યાં. જવાબમાં આખી ન્યૂઝિલેન્ડની ટીમ 43.4 ઓવરમાં 157 રન પર આઉટ થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાની પણ મેચની શરૂઆતમાં સ્થિતિ કઈ સારી નહતી. તેણે પોતાના ટોચના 5 બેટ્સમેન માત્ર 92 રનમાં ગુમાવ્યાં હતાં. પરંતુ ઉસ્માન ખ્વાજા અને વિકેટકિપર બેટ્સમેન એલેક્સ કેરીએ 6ઠ્ઠી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. ખ્વાજાએ સૌથી વધુ 88 રન અને એલેક્સ કૈરીએ 71 રન કર્યાં. ન્યૂઝિલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે છેલ્લી ઓવરમાં શાનદાર હેટ્રિક લઈને મેચમાં 4 વિકેટ ઝડપી. જીમી નીશમ અને લોકી ફર્ગ્યુસને 2-2 વિકેટ લીધી. વિલિયમસનને પણ એક વિકેટ મળી. 



ન્યૂઝિલેન્ડની ટીમ લક્ષ્યનો પીછો કરવા ઉતરી ત્યારે ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ટકી શકી નહી. ન્યૂઝિલેન્ડ માટે કેપ્ટન કેન વિલિયમસને સૌથી વધુ 40 રન કર્યાં. આ સિવાય ન્યૂઝિલેન્ડનો કોઈ પણ બેટ્સમેન વિકેટ પર ટકી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયા માટે મિશેલ સ્ટાર્કે એકવાર ફરીથી ધારદાર બોલિંગ કરતા 9.4 ઓવરોમાં 1 મેડન ઓવર સાથે 26 રન આપીને 5 વિકેટ ઝડપી. જેસન બેહરેનડોર્ફે 2 વિકેટ મેળવી. લોયન, કમિન્સ અને સ્મિથને પણ 1-1 વિકેટ મળી. 


ન્યૂઝિલેન્ડની આ હારથી પ્લેઓફની રેસ રસપ્રદ બની છે. અત્યાર સુધી ફક્ત ઓસ્ટ્રેલિયાએ જ પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. ભારતે પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે બસ એક મેચ જીતવાની છે. હજુ તેની 3 મેચ બાકી છે. ભારતે પોતાની બાકીની મેચ ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે રમવાની છે. જ્યારે ઈંગ્લેન્ડની 2 મેચ બાકી છે અને પ્લેઓફમાં પહોંચવા માટે આ બંને મેચ તેણે જીતવી પડે તેમ છે. હવે ન્યૂઝિલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે થનારી મેચ પ્લેઓફ માટે મહત્વપૂર્ણ બની જશે. આ ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે પણ પ્લેઓફની આશા હજુ જીવિત છે.