બ્રિસ્ટલઃ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ એરોન ફિન્ચ (66) અને ડેવિડ વોર્નર ()ની અડધી સદીની મદદથી પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ અફગાનિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફગાનિસ્તાને 38.2 ઓવરમાં તમામ વિકેટ ગુમાવી 207 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 35 ઓવરમાં 3 વિકેટના ભોગે 209 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધો હતો. આશરે 15 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનાર ડેવિડ વોર્નર 114 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 89 રન બનાવી અણનમ રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફગાનિસ્તાને આપેલા 208 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઓસ્ટ્રેલિયા તરફથી એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરે ઈનિંગની શરૂઆત કરી હતી. વોર્નર આશરે 15 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટિંગ કરવા માટે મેદાન પર આવ્યો હતો. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. એક તરફ વોર્નરે ધીમી શરૂઆત કરી તો ફિન્ચે પાવરપ્લેનો લાભ ઉઠાવ્યો અને આક્રમક બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ પાવરપ્લેમાં પોતાના 50 રન પૂરા કરી લીધા હતા. ફિન્ચ (66)ને ગુલબદિન નાઇબે મુઝીબના હાથે કેચ કરાવીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો આપ્યો હતો. ફિન્ચે 49 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. 


ફિન્ચ આઉટ થયા બાદ વોર્નરે ખ્વાજા સાથે બીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન વોર્નરે પોતાની અડધી સદી પૂરી કરી હતી. ખ્વાજા (15)ને રાશિદ ખાને LBW આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ કુલ 156ના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. સ્ટીવ સ્મિથ 18 રન બનાવી મુઝીબનો શિકાર બન્યો હતો. 


અફગાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી અને ખાતું ખોલાવ્યા વિના ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ શહજાદ પેવેલિયન પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે તેને શૂન્ય પર આઉટ કર્યો. ત્યારબાદ અફગાનિસ્તાનનો હજરતુલ્લાહ ઝાઝઈ પણ કમિન્સનો શિકાર બન્યો હતો. 


અફગાનિસ્તાને બે વિકેટ ગુમાવ્યા બાદ થોડા સમય માટે હશ્મતુલ્લાહ શાહિદી અને રહમત શાહે ટીમને સંભાળી હતી. પરંતુ 14મી ઓવરમાં શાહિદી 18 રન બનાવીને ઝમ્પાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મોહમ્મદ નબી 7 રન બનાવી રનઆઉટ થયો હતો. નબીએ 22 બોલનો સામનો કર્યો હતો. રહમત શાહ 60 બોલમાં 43 રન બનાવી ઝમ્પાનો શિકાર બન્યો હતો. રહમત શાહે 60 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા ફટકાર્યા હતા. અફગાનિસ્તાને 77 રન પર પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. 


ત્યારબાદ કેપ્ટન ગુલબદિન નાઇબ અને નજીબુલ્લાહ જાદરાને છઠ્ઠી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 160 રન પર પહોંચ્યો ત્યારે ગુલબદિન નાઇબ (31)ને સ્ટોઇનિસે વિકેટકીપર કેરીના હાથે કેચ કરાવીને ઓસ્ટ્રેલિયાને છઠ્ઠી સફળતા અપાવી હતી. ત્યારબાદ નજીબુલ્લાહ (51) રન પર સ્ટોઇનિશની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે 49 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. દોલત જાદરાન 4 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો હતો. 


રાશિદ ખાને અંતે કેટલાક આક્રમક શોટ્સ રમીને અફગાનિસ્તાનનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. રાશિદે 11 બોલનો સામનો કરતા 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. તેને ઝમ્પાએ આઉટ કર્યો હતો. અંતમાં મુઝીબ ઉર રહમાન (13)ને કમિન્સે બોલ્ડ કરીને અફગાનિસ્તાનને ઓલઆઉટ કરી દીધું હતું. 


ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સ અને ઝમ્પાએ ત્રણ-ત્રણ વિકેટ તથા સ્ટોઇનિસે બે અને સ્ટાર્કે એક વિકેટ ઝડપી હતી.