World Cup 2019: વિશ્વકપમાં આજે `મિની એશિઝ` ઈંગ્લેન્ડ માટે જીત જરૂરી
લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવાની છે. ઈંગ્લેન્ડે સેમીફાઇનલની રાહ આસાન બનાવવા માટે આ મેચમાં વિજય મેળવવો જરૂરી છે.
લંડનઃ શ્રીલંકા વિરુદ્ધ અપસેટનો શિકાર થયા બાદ ઈંગ્લેન્ડની ટીમ આજે ઐતિહાસિક લોર્ડ્સ સ્ટેડિયમ પર ઉતરશે તો તેની સાથે 'ઓસ્ટ્રેલિયા'ને માત આપવાનો પડકાર રહેશે, જેને તે 27 વર્ષથી હરાવી શકી નથી. છ મેચોમાં ચાર જીત બાદ ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે.
ટાઇટલની પ્રબળ દાવેદાર મનાઇ રહેલી યજમાન ટીમે હવે અંતિમ-4મા પોતાની જગ્યા પાક્કી કરવા માટે બાકી ત્રણમાંથી બે મેચ જીતવી પડશે. ઈંગ્લેન્ડ માટે આ કામ સરળ નથી કારણ કે તેણે ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડ અને ભારતનો સામનો કરવાનો છે. છેલ્લા 27 વર્ષોમાં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક મેચ જીતી શકી નથી.
બેટિંગ પિચ પર હોય છે હિટ
ઈંગ્લેન્ડે આ ચાર વર્ષોમાં બે વખત વનડે ક્રિકેટનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. માત્ર એક વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 6 વિકેટ પર 481 રન બનાવ્યા હતા. આંકડા જણાવે છે કે ઈંગ્લેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે હાર્યા બાદ જે સૌથી મુશ્કેલ વનડે પિચો પર રમી છે, તેના પર પાંચ મેચ ગુમાવી છે. બીજીતરફ બેટ્સમેનોને મદદરૂપ પિચ પર 11માથી 9 મેચ જીતી છે.
પ્લેઇંગ- XI (સંભવિત)
ઈંગ્લેન્ડ- જોની બેયરસ્ટો, જેમ્સ વિન્સ, જો રૂટ, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઇન અલી, ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ.
ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, એલેક્સ કેરી, જેસન બેહરનડોર્ફ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડન ઝમ્પા.