World Cup 2019: 2015ના વિશ્વકપમાં મળેલી હારનો બદલો લેવા બાંગ્લાદેશ સામે ઉતરશે ઈંગ્લેન્ડ
આઈસીસી વિશ્વકપ-2019ની 12મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થવાનો છે.
કાર્ડિફઃ ઈંગ્લેન્ડની ટીમ આજે વિશ્વકપ-2019ની 12મી મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ઉતરશે તો તેની નજર 2015ના વિશ્વકપમાં બાંગ્લાદેશના હાથે થયેલા પરાજયનો બદલો લેવા પર હશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 કલાકે શરૂ થશે.
બાંગ્લાદેશે વિશ્વકપ 2015માં એડિલેડના મેદાન પર ઈંગ્લેન્ડને 15 રનથી પરાજય આપીને તેને વિશ્વકપમાંથી બહાર કરી દીધું હતું. ઈંગ્લેન્ડ આ હારને ભૂલ્યું નહીં હોય અને તેની ટીમ આજની તુલનામાં નબળી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમે મેનેજમેન્ટમાં ફેરફાર કર્યો અને તેણે સતત સુધારા કર્યાં જેથી ટીમ આજે વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. પરંતુ પોતાની ધરતી પર રમાઇ રહેલા વિશ્વકપમાં ઈંગ્લેન્ડનું અભિયાન અત્યાર સુધી ચઢાવ-ઉતાર ભર્યું રહ્યું છે. તેણે પ્રથમ મેચમાં આફ્રિકાને 104 રનથી હરાવ્યું, પરંતુ બીજી મેચમાં પાકિસ્તાન સામે 14 રનથી હારી ગયું હતું. મેચમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓ ઘણી તકે પોતા પર નિયંત્રણ રાખવામાં નિષ્ફળ રહ્યાં હતા. ઓપનિંગ બેટ્સમેન જેસન રોય અને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પર તો પોતાના ખરાવ વ્યવહારને કારણે ફટકાર પણ લગાવવામાં આવી હતી.
પાછલી મેચમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓને પાકિસ્તાની દર્શકોએ પણ ખુબ પરેશાન કર્યાં હતા અને તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ પણ આ પ્રકારના અનુભવમાંથી પસાર થવું પડી શકે છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર લિયામ પ્લંકેટે કહ્યું કે, તેની ટીમ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. પ્લંકેટે કહ્યું, અમે મોટી ટૂર્નામેન્ટમાં રમતા રહ્યાં છીએ. અમારા ખેલાડી આઈપીએલ અને બિગબેશમાં ખચાખચ ભરેલા સ્ટેડિયમોમાં રમતા રહે છે. આ ખેલાડીઓ માટે કોઈ મુદ્દો નથી. તેણે કહ્યું કે, બાંગ્લાદેશની ટીમને હવે કોઈ નબળી ગણતું નથી, જેણે આફ્રિકાને હરાવ્યું હતું. બંગ્લાદેશની ટીમ મજબૂત છે. મને યાદ છે જ્યારે તેણે થોડા વર્ષો પહેલા (2010માં બ્રિસ્ટલમાં) ઈંગ્લેન્ડને હરાવ્યું હતું તે અપસેટ હતો. આદિલ રાશિદે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ ઓવરમાં ઘણા રન આપ્યા હતા. આ લેગ સ્પિનરના ખભાની ઈજાને જોતા ઈંગ્લેન્ડ તેને અંતિમ ઇલેવનમાંથી બહાર રાખી શકાય છે.
બાંગ્લાદેશની સોફિયા ગાર્ડન્સ સાથે ઘણી યાદો જોડાયેલી છે. તેણે આ મેદાન પર 2005માં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સૌથી મોટો અપસેટ માનવામાં આવે છે. આ મેચમાં બાંગ્લાદેશની ટીમનો સદસ્ય રહેત મુશરફે મોર્તજા હવે ટીમનો કેપ્ટન છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાછલી મેચમાં બાંગ્લાદેશે જે રીતે 245 રનનો સ્કોર બચાવવા માટે પોતાનો જીવ લગાવી દીધો હતો. મોર્તજાએ કહ્યું, મારૂ માનવું છે કે તે (ઈંગ્લેન્ડ) ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ છે. હું જાણું છું કે આ મુકાબલો આસાન નહતો. પરંતુ અમે જો સારૂ પ્રદર્શન કરીએ તો ગમે તે થઈ શકે છે.