વર્લ્ડકપ 2019 INDvsNZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રદ્દ, બંન્ને ટીમને મળ્યો 1-1 પોઈન્ટ
આઈસીસી વિશ્વ કપ-2019માં વરસાદને કારણે ચોથી મેચ રદ્દ કરવામાં આવી છે. નોટિંઘમમાં ભારે વરસાદને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ ટોસ કર્યા વિના રદ્દ કરી દેવામાં આવી છે.
નોટિંઘમઃ આઈસીસી વિશ્વ કપ-2019માં વરસાદને કારણે વધુ એક મેચ રદ્દ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વિશ્વકપની 18મી મેચ પણ ધોવાઈ ગઈ છે. આ મેચ ટોસ કર્યા વિના જ રદ્દ કરવાની ફરજ પડી હતી. નોટિંઘમના હવામાન વિભાગે મેચ પહેલા જ વરસાદની આશંકા વ્યક્ત કરી હતી. બંન્ને ટીમોને એક-એક પોઈન્ટ આપી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ટૂર્નામેન્ટમાં આ પહેલા કુલ ત્રણ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ચુકી છે. આ મેચ રદ્દ થવાને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ કુલ 4 મેચોમાં 7 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને છે. જ્યારે ભારતીય ટીમ ત્રણ મેચોમાં પાંચ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
ક્યારે-ક્યારે વરસાદને કારણે બોલ ફેંકાયા વિના રદ્દ થઈ મેચ
- 1979માં એકવાર
- 2015માં એકવાર
- 2019માં બે વાર (પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા, વિશ્વકપની 11મી મેચ. બાંગ્લાદેશ vs શ્રીલંકા)
તો વિશ્વ કપની આ એડિશનમાં વેસ્ટ ઈન્ડિઝ અને આફ્રિકા વચ્ચેની મેચ પણ માત્ર 7.4 ઓવરની રમત બાદ રદ્દ કરી દેવામાં આવી હતી.