નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ફિવર વચ્ચે આગામી 30મી મેથી શરૂ થઇ રહેલા ક્રિકેટના મહાકુંભ સમા આઇસીસી વિશ્વકપ 2019 માટે 15 ખેલાડીઓની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પસંદગીમાં ઋષભ પંત અને દિનેશ કાર્તિક ચર્ચામાં હતા. જોકે છેવટે દિનેશે મેદાન માર્યું છે અને 15 સભ્યોની યાદીમાં સ્થાન પામ્યો છે. પરંતુ આ સંજોગોમાં દિનેશ કાર્તિકે વ્યથા વ્યક્ત કરતાં મોટું નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર બેકઅપ વિકેટકિપર
વર્લ્ડ કપ માટે ટીમમાં વિકેટકિપર તરીકે પ્રથમ પસંદગી તો મહેન્દ્રસિંહ ધોનીની જ રહેવાની છે. ટીમમાં માત્ર બેકઅપ તરીકે એક વિકેટકિપરની જરૂર હતી એવા સંજોગોમાં પંત અને દિનેશ કાર્તિક વચ્ચેના જંગમાં છેવટે દિનેશ કાર્તિકને સ્થાન મળ્યું છે. બંને સારા વિકેટકિપર છે પરંતુ ધોની જેવા તો નહીં. બેટીંગમાં પણ બંને પાવરધા છે પરંતુ મેચ ફિનિશર તરીકે ધોની જેવા તો નહીં જ. ધોનીની સરખામણીમાં બંને ક્યાંય આવી શકે એમ નથી. આ સંજોગોમાં દિનેશ અને પંતની સરખામણી કરીએ તો પંતે હમણાં જ કેરિયરની શરૂઆત કરી છે જ્યારે કાર્તિક વર્ષોથી રમે છે જેથી અનુભવી છે. પરંતુ દિનેશ કાર્તિકે ધોનીને લઇને કરેલું નિવેદન ચોંકાવનારૂ છે. 


પસંદગીની ખુશી છે પરંતુ...
જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે કાર્તિક કોલકત્તામાં હતો. કાર્તિકે જાતે જણાવ્યું કે, ટીમમાં એની પસંદગીને લઇને એની ખુશી થઇ હતી. 12 વર્ષના વનવાસ બાદ ટીમ ઇન્ડિયામાં ફરી સ્થાન મળ્યું છે. વર્ષ 2017મા તે ટીમ ઇન્ડિયામાં પરત ફર્યો અને ત્યાર બાદ 2018ના અંતમાં ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગઇ તો એને બદલે પંતને સ્થાન અપાયું હતું. 


પ્રસાદ અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કાર્તિક ધોનીનો બેકઅપ વિકેટકિપર છે. કાર્તિકે આ ભૂમિકાનો સ્વીકાર કર્યો છે. જોકે કાર્તિકે હળવા મૂડમાં કહ્યું કે, જ્યાં સુધી ધોનીનો સવાલ છે તો એ જ્યાં સુધી હશે ત્યાં સુધી તો હુ માત્ર ફર્સ્ટ એડ કિટ જેવો જ રહીશ. જો તે ઇજાગ્રસ્ત થાય તો મને એક દિવસ રમવા મળી શકે. વધુમાં કાર્તિકે કહ્યું કે, મને ખબર છે કે હું 4 નંબર પર સારી બેટીંગ કરી શકુ છું અને ફિનિશરની ભૂમિકા પણ બજાવી શકુ છું. હું અગાઉ પણ સારૂ રમ્યો છું.


સ્પોર્ટ્સના વધુ ન્યૂઝ જાણો