INDvsBAN: બાંગ્લાદેશ સામે આજે ભારત જીતે નહીં તો ચાલશે પરંતુ હારવું તો ન જોઇએ... જાણો, શું છે સેમિ ફાઇનલનું ગણિત
આઇસીસી ક્રિકેટ વિશ્વ કપ સેમિ ફાઇનલ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આજે રમાનાર ભારત બાંગ્લાદેશની મેચ પર સૌની નજર છે. ભારતને માત્ર એક પોઇન્ટની જરૂર છે ત્યારે બાંગ્લાદેશ સામે હારવું ભારત માટે સપના ચકનાચૂર કરનારૂ બની શકે છે. આવો જાણીએ શું છે સેમિ ફાઇનલમાં પહોંચવાનું ગણિત..
બર્મિઘમ: આઇસીસી વિશ્વ કપ 2019 માં ભારતીય ક્રિકેટ ટીમનો સામનો આજે અહીં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બાંગ્લાદેશ સામે થવાનો છે. ઇંગ્લેન્ડ સામે રમાયેલી છેલ્લી મેચ સુધી અજેય રહેલા ટીમ ઇન્ડિયા માટે બાંગ્લાદેશ સામે હારવું પોસાય એવું નથી. ભારતને સેમિ ફાઇનલમાં પહોંચવા માટે એક પોઇન્ટની જરૂર છે. જો બાંગ્લાદેશ સામે ભારત જીતતું નથી તો વાંધો નથી. પરંતુ હારવું મુસીબતનું કારણ બની શકે એમ છે. જો વરસાદ પડે કે મેચ અનિર્ણિત રહે અને ભારતને એક પોઇન્ટ મળે છે તો પણ ભારતનો રસ્તો સાફ છે.
ભારત સેમિ ફાઇનલમાં પહોંચવાથી માત્ર એક પોઇન્ટથી જ દૂર છે. પરંતુ જો બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડે છે તો શ્રીલંકા વિરૂધ્ધની મેચમાં કરો યા મરો જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. બાંગ્લાદેશ કોઇ પણ ટીમનો ખેલ બગાડી શકે એમ છે. 2007 વિશ્વ કપમાં આ ટીમે ભારતને હાર આપી ભારતને બહાર કર્યું હતું. એવામાં ભારતે બાંગ્લાદેશી ખેલાડીઓનું વર્તમાન ફોર્મ જોઇને સતર્ક રહેવું પડે એવી સ્થિતિ છે.
બાંગ્લાદેશ સામેની મહત્વની મેચ પૂર્વે જ ભારતને એક ઝટકો મળ્યો છે. ઓલ રાઉન્ડર ખેલાડી વિજય શંકરના પગમાં ઇજા થતાં તે વિશ્વ કપથી બહાર થઇ ગયો છે. એ પહેલા શિખર ધવન અંગૂઠા પર ઇજા થવાને કારણે બહાર છે. તો બીજી તરફ બાંગ્લાદેશ પાસે અનુભવી ખેલાડીઓ છે. સારા બેટ્સમેન અને બોલરો છે. જે જોતાં ભારતે બાંગ્લાદેશને સહજતાથી ન લેવું જોઇએ એવું ક્રિકેટ એક્સપર્ટ્સનું માનવું છે.
ટીમ ભારત:
વિરાટ કોહલી (કેપ્ટન), જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, ઋષભ પંત, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, મોહમ્મદ શમી, રોહિત શર્મા, કુલદીપ યાદવ
ટીમ બાંગ્લાદેશ:
મશરફે મુર્તજા (કેપ્ટન), તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, શબ્બીર રહમાન, રૂબેલ હુસેન, મુસ્તફિજુર રહેમાન, અબુ જાયેદ, મહમદુલ્લા, મોહમ્મદ સૈફુદીન, મોસદ્દક હુસેન, શાકિબ અલ હસન, મહેદી હસન, લિટન દાસ (વિકેટકિપર), મુશ્ફીકુર રહીમ, મોહમ્મદ મિથુન