World Cup 2019: ઓસ્ટ્રેલિયાને લાગ્યો ઝટકો, આ સ્ટાર ફાસ્ટ બોલર થયો બહાર
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે ઝાયે રિચર્ડસન વિશ્વ કપમાંથી બહાર થઈ ગયો છે. તે પોતાની ઈજામાંથી સ્વસ્થ થઈ શક્યો નથી.
મેલબોર્નઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ નજીક આવી રહ્યો છે, તેમાં ભાગ લેનારા તમામ દેશોએ ટીમની જાહેરાત કરી દીધી છે. હવે આ ટીમોના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈને બહાર જવાના સમાચાર પણ આવી રહ્યાં છે. ઈજાગ્રસ્ત થઈને બહાર થતાં ખેલાડીઓની યાદીમાં હવે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરનું નામ પણ જોડાઇ ગયું છે. ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસન ઈજાને કારણે 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વ કપમાંથી બહાર થઈ ગયો છે.
પાક સામેની સિરીઝમાં થયો હતો ઈજાગ્રસ્ત
રિચર્ડસનને માર્ચમાં શારજાહમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી સિરીઝની બીજી વનડે મેચમાં ઈજા થઈ હતી. તે હજુ સુધી સ્વસ્થ થઈ શક્યો નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે જણાવ્યું કે, કેન રિચર્ડસનને ઝાય રિચર્ડસનના સ્થાને ટૂર્નામેન્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઝાયે ભારત વિરુદ્ધ દમદાર પ્રદર્શન કરતા પાંચ મેચોની વનડે સિરીઝમાં 7 વિકેટ ઝડપી હતી. તે અત્યાર સુધી 12 વનડેમાં 26 વિકેટ ઝડપી ચુક્યો છે. તેની ગતિ અને સ્વિંગથી ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગર ખુબ પ્રભાવિત છે.
IPL 2019: RCB પર વિજય માલ્યાનો કટાક્ષ, કહ્યું- કાગળ પર મજબૂત ટીમ
1 જૂનથી થશે ઓસ્ટ્રેલિયાના વિશ્વકપની સફરની શરૂઆત
વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા પોતાની પ્રથમ મેચ અફગાનિસ્તાન વિરુદ્ધ એક જૂનથી બ્રિસ્ટલમાં રમશે. ત્યારબાદ 6 જૂને વેસ્ટઈન્ડિઝ, 9 જૂને ભારત, 12 જૂને પાકિસ્તાન, 15 જૂને શ્રીલંકા, 20 જૂને બાંગ્લાદેશ, 25 જૂને ઈંગ્લેન્ડ, 29 જૂને ન્યૂઝીલેન્ડ અને 6 જુલાઈએ આફ્રિકા વિરુદ્ધ અંતિમ મેચ રમવાની છે.