World Cup: વિલિયમસને 11 વર્ષ જૂનો વિરાટનો હિસાબ કર્યો ચુકતે, ફાઇનલમાં મેળવ્યું સ્થાન
વિરાટ કોહલી અને કેન વિલિયમસન 11 વર્ષમાં બીજીવાર કોઈપણ વિશ્વકપની સેમિફાઇનલમાં આમને-સામને હતા. આ વખતે કેન વિલિયમસને વિરાટ કોહલી પાસેથી બદલો લઈ લીધો છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડે આઈસીસી વિશ્વ કપ 2019માથી બહાર કરી દીધું છે. એક રોમાંચક મુકાબલામાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડે આપેલા 240 રનનો ટાર્ગેટ હાસિલ ન કરી શકી અને 221 રન બનાવીને 18 રનથી હારી ગઈ હતી. પ્રથમ વખત બંન્ને ટીમ સેમિફાઇનલમાં આમને-સામને હતી. આજથી 11 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન કેન વિલિયમસને એક સાથે વિશ્વકપની સેમિફાઇનલ રમી હતી. આ વખતે વિરાટ અને વિલિયમસનની આ બીજી વિશ્વ કપ સેમિફાઇનલ છે.
વિલિયમસને હિસાબ કર્યો ચુકતે
બંન્ને ખેલાડી 11 વર્ષ પહેલા અન્ડર-19 વિશ્વ કપ સેમિફાઇનલમાં એકબીજા વિરુદ્ધ રમ્યા હતા. તે સમયે વિરાટ 19 વર્ષનો હતો. તો કેન વિલિયમસન 17 વર્ષનો હતો. બંન્ને વચ્ચે આ મેચ 27 ફેબ્રુઆરી 2008ના મલેશિયાના ક્વાલાલાંપુરમાં રમાઇ હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. પરંતુ 11 વર્ષ બાદ કેન વિલિયમસને વિરાટ કોહલીનો બદલો લીધો અને ટીમ ઈન્ડિયાને પરાજય આપ્યો છે.
શું થયું હતું તે મેચમાં
તે મેચમાં વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને કોરી એન્ડરનના 70 અને વિલિયમનની 37 રનની ઈનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 205 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માટે વિકેટકીપર ગોસ્વામી ના 50 રન અને વિરાટ કોહલીએ 43 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય વિરાટે તે મેચમાં 2 વિકેટ પણ ઝડપી હતી. વિરાટને તેના પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાની હાર પર ખુશ થયું PAK, ઇમરાનના મંત્રી બોલ્યા- અમારો પ્રેમ ન્યૂઝીલેન્ડ
શું થયું આ વખત
આ વખતે કેન વિલિયમસને 67 રન બનાવ્યા અને તે બીજા નંબરનો બેટ્સમેન રહ્યો હતો. તેનાથી વધુ રોસ ટેલરે 74 રનની ઈનિંગ રમી હતી. આ વખતે વિરાટ ફેલ રહ્યો અને માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. તો વિરાટ કોહલીએ આ મેચમાં બોલિંગ ન કરી. આ મેચ તે માટે યાદ રહેશે કે બે દિવસ માટે રમાઇ. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર બોલિંગ કરી અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને રોકીને રાખ્યા હતા. પરંતુ ન્યૂઝીલેન્ડના બોલરોએ ધમાકેદાર પ્રદર્શન કરતા ભારતને ઓલઆઉટ કરી દીધું હતું.