સાઉથમ્પ્ટનઃ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના મીડિયા સાથે મતભેદ સામે આવતા રહે છે. પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયાએ સોમવારે પોતાની શેડ્યૂલ પત્રકાર પરિષદને લઈને મીડિયાની સાથે જે વ્યવહાર કર્યો તે અયોગ્ય હતો. સોમવારે અભ્યાસ સત્ર દરમિયાન ભારતીય ટીમ તરફથી કોઈ ખેલાડીને ટીમની તૈયારીને લઈને મીડિયાને સંબોધિત કરવાનું હતું. પરંતુ અહીં ટીમ ઈન્ડિયાની હરકત જોઈને મીડિયાએ આ પત્રકાર પરિષદનો બહિષ્કાર કરી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ પોતાના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરવાની છે. આ પહેલા સોમવારે પ્રેક્ટિસ સત્ર બાદ ટીમની પત્રકાર પરિષદ નક્કી હતી. આ શેડ્યૂલ પત્રકાર પરિષદ માટે મીડિયા ભેગું થયું, તો તેને જાણ કરવામાં આવી કે તેમાં ટીમ ઈન્ડિયાનો કોઈ ખેલાડી હાજર રહેશે નહીં અને મીડિયાએ અહીં ભારતીય ટીમના બે નેટ બોલર (દીપક ચહર અને આવેશ ખાન)થી કામ ચલાવવું પડશે. મહત્વનું છે કે આ બોલર ટીમ ઈન્ડિયાની નેટ પ્રેક્ટિસ માટે ઈંગ્લેન્ડ આવેલા છે અને તે વિશ્વકપની ટીમમાં નથી. 


મેચ પહેલા યોજાનારી આ પત્રકાર પરિષદ માટે ભારતીય મીડિયા અહીં બે કલાકથી વધુ સમય સુધી ખેલાડીઓની રાહ જોઈ રહ્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટે નેટ બોલરોને પત્રકાર પરિષદમાં મોકલીને ચોંકાવી દીધા. મીડિયા તે વાતથી હેરાન હતું કે ભારતીય ટીમની સાથે નેટ પ્રેક્ટિસ માટે આવેલા બોલર આખરે કઈ રીતે ટીમની વિશ્વકપની તૈયારીઓ અને યોજનાઓ વિશે જણાવી શકશે? 


મીડિયાએ અહીં વિરોધ કર્યો કે આખરે બે યુવા ખેલાડી, જે ટીમમાં નથી તે કેઈ રીતે આફ્રિકા વિરુદ્ધ રમાનારી વિશ્વકપની મેચના સવાલોના જવાબ આપશે. મીડિયાએ અહીં નારાજ થઈને આ પત્રકાર પરિષદનો બહિષ્કાર કર્યો અને બાદમાં આ પીસી રદ્દ કરવામાં આવી હતી. 


આ ખુબ ચોંકાવનારૂ પગલું હતું કે વિશ્વકપ જેવી આટલી મોટી મેચ પહેલા આખરે ટીમ ઈન્ડિયા પોતાના કોઈપણ ખેલાડી કે સ્પોર્ટ સ્ટાફને પ્રેસ વાર્તામાં કેમ ન મોકલ્યા, જેનાથી મીડિયા તે અંદાજ લગાવી શકે કે આખરે કઈ રીતે ટીમ ઈન્ડિયા પોતાના પ્રથમ મેચ પહેલા તૈયારીઓ કરી રહી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટના આ વ્યવહાર બાદ મીડિયામાં ચર્ચા છે કે જો ટીમ ઈન્ડિયાએ મીડિયા સાથે વાત કરવી નથી તો તેણે આવી પત્રકાર પરિષદનું આયોજન ન કરવું જોઈએ.