વિજેતા ઈંગ્લેન્ડને મળ્યા 28 કરોડ રૂપિયા, વિલિયમસન પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ
ઈંગ્લેન્ડે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના પડકારને ધ્વસ્ત કરતા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની ટ્રોફી પર કબજો જમાવ્યો છે.
લંડનઃ ઈંગ્લેન્ડે વિશ્વ કપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત ટાઇટલ કબજે કર્યું છે. ટાઇટલ જીતવા પર તેને ઈનામ તરીકે 28 કરોડ રૂપિયા મળ્યા છે. તો ફાઇનલ મુકાબલામાં હારનારી ટીમ ન્યૂઝીલેન્ડને 14 કરોડ રૂપિયા મળ્યા છે. ચેમ્પિયન બનનારી ટમને સોના-ચાંદીથી બનેલી 11 કિલોની ટ્રોફી પણ આપવામાં આવી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ અને ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. વિલિયમસને ટૂર્નામેન્ટમાં 578 રન બનાવ્યા હતા. તેની મદદથી ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. તો બેન સ્ટોક્સે ફાઇનલમાં 98 બોલ પર 85 રન ફટકાર્યા હતા.
રોહિત શર્મા નંબર વન બેટ્સમેન અને સ્ટાર્ક નંબર વન બોલર
રોહિત શર્મા ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર રહ્યો છે. તેણે 9 ઈનિંગમાં 648 રન બનાવ્યા. બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર રહ્યો હતો. તેના ખાતામાં 647 રન છે. તો ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ટ ટોપ બોલર રહ્યો છે. તેણે ટૂર્નામેન્ટમાં 27 વિકેટ ઝડપી હતી. બીજા સ્થાને 20 વિકેટ સાથે બાંગ્લાદેશનો મુસ્તફિઝુર રહમાન રહ્યો હતો.
11 કિલો વજનની હોય છે વિશ્વ કપની ટ્રોફી
વિશ્વ કપની ટ્રોફીનું વનજ 11 કિલો હોય છે. આ સોના અને ચાંદીની બને છે. તેની ઉંચાઈ 60 સેન્ટીમિટર હોય છે. તેને બનાવવામાં આશરે બે મહિનાનો સમય લાગે છે. તેમાં એક ગ્લોબ હોય છે, જે સોનાનો બનેલો હોય છે. આ ગ્લો 3 મોટા સ્તંભના સહારે ટકેલો હોય છે. આ 3 સ્તંભોનો આકાર સ્ટમ્પ અને બેલ્સની જેમ હોય છે. આ ટ્રોફીને પ્રથમવાર 1999મા બનાવવામાં આવી હતી. આ ટ્રોફીની વાસ્તવિક પ્રતિ આઈસીસી પોતાની પાસે રાખે છે, જ્યારે વિજેતાને રેપ્લિકા આપવામાં આવે છે.