નવી દિલ્હીઃ વિશ્વ કપ હવે અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો ફાઇનલ મુકાબલામાં આમને-સામને હશે. આ પહેલા સેમિફાઇનલ સુધી 7 ખેલાડીઓએ પોતાનો અંતિમ વિશ્વ કપ રમ્યો છે. તેમાં ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની સામેલ છે. આ લિસ્ટમાં ધોની સિવાય વિન્ડીઝનો ક્રિસ ગેલ, શ્રીલંકાનો લસિથ મલિંગા, આફ્રિકાનો જેપી ડ્યુમિની અને ઇમરાન તાહિર, પાકિસ્તાનનો શોએબ મલિક અને બાંગ્લાદેશનો મુશરફે મોર્તજા છે. ગેલ, મલિંગા અને તાહિરનું પ્રદર્શન આ વિશ્વકપમાં સામાન્ય રહ્યું છે. તો ડ્યુમિની, મલિક અને મોર્તજાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. એમએસ ધોનીઃ પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીએ આ વિશ્વ કપની 9 મેચમાં 273 રન બનાવ્યા. રન પ્રમાણે આ તેનો સૌથી શાનદાર વિશ્વ કપ સાબિત થયો. તેણે 2011 વિશ્વ કપમાં 241 રન બનાવ્યા હતા. 38 વર્ષના ધોનીએ પોતાની અંતિમ વિશ્વ કપ મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 50 રન ફટકાર્યા પરંતુ ટીમને જીત ન અપાવી શક્યો. તેને માર્ટિન ગુપ્ટિલે રનઆઉટ કર્યો હતો. આ હારની સાથે ટીમ ઈન્ડિયાનું વિશ્વ કપ જીતવાનું સ્વપ્ન રોળાઇ ગયું હતું. 


2. ક્રિસ ગેલઃ વેસ્ટ ઈન્ડિઝનો આ ઓપનર વિશ્વ કપમાં પોતાની ક્ષમતા અનુસાર પ્રદર્શન ન કરી શક્યો. 39 વર્ષીય ગેલ 8 ઈનિંગમાં માત્ર 242 રન બનાવી શક્યો. તેણે એકપણ સદી ફટકારી નથી. તે અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાની અંતિમ વિશ્વ કપ મેચમાં માત્ર 7 રન બનાવી શક્યો હતો. ગેલે વિશ્વ કપ બાદ નિવૃતી લેવાની જાહેરાત કરી પરંતુ ત્યારબાદ તેણે પોતાનો નિર્ણય ફેરવી તોડ્યો હતો. તે ભારત વિરુદ્ધ ઓગસ્ટમાં રમાનારી વનડે સિરીઝમાં રમશે. 


3. શોએબ મલિકઃ આ વિશ્વકપમાં મલિક ફ્લોપ રહ્યો. 37 વર્ષનો પૂર્વ પાકિસ્તાની કેપ્ટનને આ વિશ્વકપમાં ત્રણ મેચ રમવાની તક મળી હતી. આ દરમિયાન તે કુલ 8 રન બનાવી શક્યો હતો. ભારત વિરુદ્ધ શૂન્ય પર આઉટ થયો હતો. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે મુકાબલો તેના કરિયરનો અંતિમ વનડે સાબિત થયો. આ સાથે પાકિસ્તાની ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં પણ નિષ્ફળ રહી હતી. 


4. લસિથ મલિંગાઃ ભારત વિરુદ્ધ મલિંગાએ પોતાની અંતિમ વિશ્વકપ મેચ રમી. આ મેચમાં તે અસરદાર સાબિત ન થયો. તેણે 10 ઓવરમાં 82 રન આપ્યા હતા. મલિંગાને માત્ર એક સફળતા મળી. આ વિશ્વકપમાં તેણે 7 મેચમાં કુલ 13 વિકેટ ઝડપી પરંતુ ટીમનો કોઈ અન્ય બોલર તેનો સાથ ન આપી શક્યો. જેથી શ્રીલંકન ટીમ લીગ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. 


5. ઇમરાન તાહિરઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી અંતિમ લીગ મેચમાં આફ્રિકી ટીમ ભલે જીતી હોય પરંતુ તે અંતિમ-4મા ન પહોંચી શકી. તાહિર આ મેચમાં માત્ર એક વિકેટ ઝડપી શક્યો. તેણે આ વિશ્વકપમાં 9 મેચ રમી. આ દરમિયાન તે કુલ 11 વિકેટ ઝડપી શક્યો હતો. 


6. મુશરફે મુર્તજાઃ બાંગ્લાદેશે આ વિશ્વકપમાં પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતી લીધું હતું. પરંતુ તે સેમિફાઇનલમાં ન પહોંચી શક્યું. વિશ્વ કપમાં તેના શાનદાર પ્રદર્શનની પાછળ મુર્તજાની કેપ્ટનશિપનું પણ યોગદાન છે. તે ટીમને એકસાથે રાખવામાં માહિર છે. પરંતુ વ્યક્તિગત રીતે તેનું પ્રદર્શન ખરાબ રહ્યું. તે ટૂર્નામેન્ટમાં માત્ર 1 વિકેટ ઝડપી શક્યો. પાકિસ્તાન વિરુદ્ધ અંતિમ વિશ્વકપ મેચમાં તેણે 7 ઓવર બોલિંગ કરી, પરંતુ સફળતા ન મળી. 


7. જેપી ડ્યુમિનીઃ 35 વર્ષના જેપી ડ્યુમિનીએ પોતાની પ્રથમ વનડે 2004મા શ્રીલંકા વિરુદ્ધ રમી હતી. તે આ વિશ્વકપમાં બેટ્સમેન તરીતે ફેલ રહ્યો. તેણે 7 ઈનિંગમાં 17.50ની એવરેજથી માત્ર 70 રન બનાવ્યા. ડ્યુમિની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ મેચમાં 14 રન બનાવી શક્યો હતો. 



ખેલાડી કરિયર વર્લ્ડકપ કરિયર
ધોની મેચ : 350, રન : 10773 મેચ : 29, રન : 780
ગેલ મેચ : 298, રન : 10393 મેચ : 35,રન : 1186
મલિક મેચ : 287, રન : 7534 મેચ : 6, રન : 100
ડ્યુમિની મેચ : 199, રન : 5117 મેચ : 18, રન : 458
મલિંગા મેચ : 225, વિકેટ : 335 મેચ : 29, વિકેટ : 56
તાહિર મેચ : 107, વિકેટ : 173 મેચ : 22, વિકેટ : 40
મુર્તજા મેચ : 217, વિકેટ: 266 મેચ : 24, વિકેટ : 19