World Cup 2019: શાકિબ અલ હસને રચ્યો ઇતિહાસ, બન્યો વિશ્વનો નંબર-1 ખેલાડી
બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 5 હજાર રન અને 250 વિકેટ ઝડપનાર ખેલાડી બની ગયો છે.
લંડનઃ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસને વિશ્વકપ 2019ના પાંચમાં લીગ મેચમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઈતિહાસ રચી દીધો છે. શાકિબ અલ હસને જ્યારે આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરમને ક્લીન બોલ્ડ કર્યો તો તે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 5000 રન અને 250 વિકેટ ઝડપનાર ઓલરાઉન્ડર બની ગયો છે.
250 વિકેટ પૂરી કર્યા પહેલા બાંગ્લાદેશના સૌથી અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પોતાની ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 11000 રન પણ પૂરા કર્યાં હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 હજારથી વધુ રન બનાવવાના મામલામાં શાકિબ અલ હસન બાંગ્લાદેશનો બીજો ખેલાડી છે પરંતુ ઓલરાઉન્ડર તરીકે શાકિબ અલ હસન આ લિસ્ટમાં ટોપ પર છે.
શાકિબ અલ હસન પહેલા ચાર ખેલાડીઓ વનડે ક્રિકેટમાં 5 હજાર રન અને 250 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી ચુક્યા છે. આ લિસ્ટમાં સનથ જયસૂર્યા ટોપ પર છે. શ્રીલંકાના દિગ્ગજ સનથ જયસૂર્યાએ વનડે ક્રિકેટમાં 13340 રન અને 323 વિકેટ ઝડપી છે. તો સાઉથ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી જેક કાલિસે 11579 રનની સાથે 273 વિકેટ પોતાના નામે કરી છે.
આ યાદીમાં પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ છે. તેણે વનડે ક્રિકેટમાં 8064 રન અને 395 વિકેટ પોતાના નામે કરી છે. પાકિસ્તાનના અબ્દુલ રઝાકના નામે વનડે ક્રિકેટમાં 5080 રન અને 269 વિકેટ લેવાનો રેકોર્ડ છે. પરંતુ શાકિબ અલ હસને આ ખેલાડીઓમાંથી ઓછા મેચોમાં આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
બાંગ્લાદેશનો આ સ્ટાર ઓલરાઉન્ડર ટેસ્ટ ક્રિકેટમાં 3807 રન બનાવી ચુક્યો છે. તો વનડેમાં તેના રનનો આંકડો 5800 આસપાસ છે. આ સિવાય 1471 રન તેણે ટી20 આંતરરાષ્ટ્રીયમાં બનાવ્યા છે.