વર્લ્ડ કપઃ બ્રેથવેટ પર લાગ્યો દંડ, અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ વ્યક્ત કરી હતી નારાજગી
બ્રેથવેટ સાથે જોડાયેલી આ ઘટના મેચની 42મી ઓવરમાં ઘટી જ્યારે તેણે બોલિંગ દરમિયાન વાઇડ આપવા પર અમ્પાયરના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
માનચેસ્ટરઃ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી કાર્લોસ બ્રેથવેટ પર ભારત વિરુદ્ધ ગુરૂવારે રમાયેલી આઈસીસી વિશ્વ કપ મેચમાં અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરવા માટે મેચ ફીના 15 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે બ્રેથવેટના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ જોડાઇ ગયો છે.
આઈસીસીએ નિવેદનમાં કહ્યું, 'બ્રેથવેટ ખેલાડીઓ અને સહયોગી સ્ટાફની આઈસીસીની આચાર સંહિતાની ધારા 2.8ના ઉલ્લંઘ માટે દોષી સાબિત થયો છે જે એક આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન 'અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ નારાજગી વ્યક્ત' કરવા સંબંધિત છે.'
બ્રેથવેટના અનુશાસનશીલ રેકોર્ડમાં એક ડેમેરિટ પોઈન્ટ જોડાઇ ગયો છે જે સપ્ટેમ્બર 2016મા સંશોધિત સંહિતા આવ્યા બાદ આ તેનો બીજો ગુનો છે. બ્રેથવેટના હવે બે ડિમેરિટ પોઈન્ટ છે. બ્રેથવેટ સાથે જોડાયેલી આ ઘટના મેચની 42મી ઓવરમાં ઘટી જ્યારે તેણે બોલિંગ દરમિયાન વાઇડ આપવા પર અમ્પાયરના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
બ્રેથવેટે ભૂલ માનીને દંડનો સ્વીકાર કરી લીધો છે જે મેચ રેફરિઓના એમિરેટ્સ આઈસીસી એલીટ પેનલના મેચ રેફરી ક્રિસ બ્રોડ દ્વારા લગાવવામાં આવ્યો હતો. તેથી કોઈ સત્તાવાર સુનાવણીની જરૂર પડી નથી.