મુંબઈઃ ગ્લેન મેક્સવેલે વિશ્વકપ ઈતિહાસની સૌથી સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમતા મુંબઈના વાનખેડેમાં ધમાલ મચાવી દીધી છે. મેક્સેવેલે 128 બોલમાં 21 ચોગ્ગા અને 10 સિક્સની મદદથી ઓસ્ટ્રેલિયાને અવિશ્વસનીય જીત અપાવી છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ આઈસીસી વિશ્વકપ 2023ના સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાને આપેલા 292 રનના લક્ષ્યની સામે એક સમયે ઓસ્ટ્રેલિયાએ 91 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ મેક્સવેલ અને પેટ કમિન્સે 202 રનની ભીગાદારી કરી ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે જીત અપાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાનિસ્તાને આપેલા 292 રનના લક્ષ્યના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ એક સમયે 91 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મેક્સવેલ અને કમિન્સે 202* રનની ભાગીદારી કરી અને અફઘાનિસ્તાનના મોઢામાંથી જીત છીનવી લીધી હતી. મેક્સવેલને આ ઈનિંગમાં 33 રનના સ્કોર પર જીવનદાન મળ્યું હતું. ત્યારબાદ તેણે આક્રમક ફટકાબાજી કરી હતી. આ ઓસ્ટ્રેલિયાનો વિશ્વકપના ઈતિહાસમાં સૌથી મોટો રનચેઝ છે. 


292 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે બીજી ઓવરમાં ટ્રેવિસ હેડ (0) ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ છઠ્ઠી ઓવરમાં મિશેલ માર્શ 11 બોલમાં 24 રન બનાવી આઉટ થયો હતો. 9મી ઓવરમાં ડેવિડ વોર્નર 18 રન બનાવી ઉઝમતુલ્લાહ ઉમરઝીનો શિકાર બન્યો હતો. 

અફઘાનિસ્તાનની ઈનિંગનો રોમાંચ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 5 વિકેટે 291 રન ફટકાર્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 292 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાનની શરૂઆત ધીમી રહી હતી અને ટીમને 38 રનનો સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ગુરબાઝ 21 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રહમત શાહ અને ઇબ્રાહિમ ઝારદાને ઈનિંગ સંભાળી હતી. રહમત શાહ 44 બોલમાં 33 રન બનાવી આઉટ થયો હતો. 


ઈબ્રાહિમ ઝાદરાને રચ્યો ઈતિહાસ
અફઘાનિસ્તાન માટે ઓપનર ઇબ્રાહિમ ઝાદરાને અણનમ સદી ફટકારી હતી. ઝાદરાન 143 બોલમાં 8 ફોર અને 3 સિક્સ સાથે 129 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. ઝાદરાન વિશ્વકપમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ બેટર છે. આ સિવાય અફઘાનિસ્તાન માટે કેપ્ટન શાહિદીએ 26 રનનું યોગદાન આપ્યું હતું. અઝમતુલ્લાહ 22 રન બનાવી આઉટ થયો હતો. મોહમ્મદ નબીએ 12 રન બનાવ્યા હતા. અંતમાં રાશિદ ખાને 18 બોલમાં 2 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 35 રન ફટકારી ટીમનો સ્કોર 290ને પાર પહોંચાડ્યો હતો.