ચેન્નઈઃ ભારતીય ટીમે આઈસીસી વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને હરાવી પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. ચેન્નઈના ચેપોકમાં ઓસ્ટ્રેલિયાને 199 રનમાં ઓલઆઉટ કર્યાં બાદ ભારતીય ટીમે 41.2 ઓવરમાં 4 વિકેટના ભોગે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ભારતે 2 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી.  કોહલી 85 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રાહુલ 97 રન બનાવી અણનમ રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલી અને રાહુલનો માસ્ટરક્લાસ
ભારતીય ટીમે 2 રન પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી. ત્યારબાદ રાહુલ અને કોહલીએ ઈનિંગ સંભાળી હતી. આ વચ્ચે વિરાટ કોહલી 12 રન પર હતો ત્યારે તેને જીવનદાન મળ્યું હતું. હેઝલવુડની ઓવરમાં મિચેલ માર્શે કોહલીનો કેચ છોડ્યો હતો. ભારતે પ્રથમ પાવરપ્લેમાં માત્ર 27 રન બનાવ્યા હતા. 


પાવરપ્લે બાદ બંને બેટરોએ કેટલીક બાઉન્ડ્રી ફટકારી દબાવ ઓછો કર્યો હતો. આ સાથે બંને બેટરોએ સ્ટ્રાઇક રોટેટ કરવાનું પણ જારી રાખ્યું હતું. કેએલ રાહુલ અને કોહલીએ ચોથી વિકેટ માટે 165 રનની ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાની મેચમાં વાપસી કરાવી હતી. વિરાટ કોહલી 116 બોલમાં છ ચોગ્ગા સાથે 85 રન બનાવી આઉટ થયો હતો. કેએલ રાહુલ 115 બોલમાં 8 ચોગ્ગા અને બે સિક્સ સાથે 97 રન બનાવી અણનમ રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ અણનમ 11 રન બનાવ્યા હતા. 


ભારતની ખરાબ શરૂઆત
ઓસ્ટ્રેલિયાએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ઈશાન કિશન શૂન્ય રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બીજી ઓવરમાં જોશ હેઝલવુડે રોહિત શર્માને LBW આઉટ કર્યો હતો. બીજી ઓવરના છેલ્લા બોલે હેઝલવુડે શ્રેયસ અય્યરને આઉટ કરી ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. ભારતીય ટીમે 2 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ભારતના ત્રણેય બેટરો શૂન્ય રન પર આઉટ થયા હતા. 


બુમરાહે અપાવી પ્રથમ સફળતા
ટોસ જીતીને ચેપોકમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં જસપ્રીત બુમરાહે મિચેલ માર્શને શૂન્ય રને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. માર્શ સ્લિપમાં કોહલીના હાથે કેચઆઉટ થયો હતો. પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની શરૂઆત ધીમી રહી હતી અને ટીમે પ્રથમ પાવરપ્લેમાં માત્ર 43 રન બનાવ્યા હતા. 


સારી શરૂઆત બાદ વોર્નર અને સ્મિથ આઉટ
5 રન પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે 69 રનની ભાગીદારી કરી હતી. કુલદીપ યાદવે 17મી ઓવરમાં આ પાર્ટનરશિપ તોડી હતી. ડેવિડ વોર્નર 52 બોલમાં 6 ચોગ્ગા સાથે 41 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો. ત્યારબાદ જાડેજાએ સ્મિથને 46 રનના સ્કોરે આઉટ કરી ભારતને મોટી સફળતા અપાવી હતી.


મિડલ ઓવર્સમાં સ્પિનરો છવાયા
સ્મિથને આઉટ કર્યા બાદ જાડેજાએ માર્નસ લાબુશેન (27) ને પણ કેએલ રાહુલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આજ ઓવરમાં જાડેજાએ એલેક્સ કેરીને આઉટ કરી ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો આપ્યો હતો. કુલદીપ યાદવે 36મી ઓવરમાં ગ્લેન મેક્સવેલ (15) ને બોલ્ડ કરી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. કેમરૂન ગ્રીન 8 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. 


ભારતીય સ્પિનરોનો દબદબો
ભારત તરફથી જાડેજા સૌથી સફળ બોલર રહ્યો હતો. જાડેજાએ 10 ઓવરમાં 2 મેડલ સાથે માત્ર 28 રન આપી 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 42 રન આપીને બે તથા અશ્વિને 10 ઓવરમાં 34 રન આપી એક વિકેટ લીધી હતી. આ સિવાય બુમરાહે 10 ઓવરમાં 35 રન આપી બે સફળતા મેળવી હતી. હાર્દિક પંડ્યાને એક વિકેટ મળી હતી.