મુંબઈઃ આઈસીસી વિશ્વકપ-2023માં ભારતીય ટીમે ધમાલ મચાવતા સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમીફાઈનલમાં પહોંચનારી ભારતીય ટીમ પ્રથમ ટીમ બની ગઈ છે. વાનખેડેમાં શ્રીલંકાને 302 રને પરાજય આપી ભારતે સતત સાતમી જીત મેળવી છે. ભારતના સાત મેચમાં સાત જીત સાથે 14 પોઈન્ટ થઈ ગયા છે અને તે સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. મુંબઈના વાનખેડેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 357 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શમીએ પાંચ વિકેટ ઝડપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો
ભારતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમનો ધબડકો થયો હતો. પ્રથમ બોલ પર જસપ્રીત બુમરાહે પથુમ નિસંકા (0) ને LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ બીજી ઓવરમાં મોહમ્મદ સિરાજે દિમુથ કરૂણારત્ને (0) ને LBW આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. સિરાજે ઓવરના પાંચમાં બોલ પર સદીરા સમરવિક્રમાને પણ આઉટ કરી શ્રીલંકાને ત્રીજો ઝટકો આપ્યો હતો. ચોથી ઓવરમાં સિરાજે ફરી ધમાકો કર્યો અને કુસલ મેન્ડિસ (1) ને ક્લિન બોલ્ડ કર્યો હતો. શ્રીલંકાએ 3 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. 


શમીને એક ઓવરમાં મળી બે સફળતા
મોહમ્મદ શમી પાવરપ્લેની છેલ્લી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. શમીએ શરૂઆતી ચાર બોલમાં બે બેટરોને આઉટ કરી શ્રીલંકાની કમર તોડી નાખી હતી. શમીએ ચરિથ અસલંકા (1) ને કેચઆઉટ કરાવ્યો હતો. અસલંકા 24 બોલનો સામનો કરી આઉટ થયો હતો. ત્યારબાદ શમીએ દશુન હેમંથાને પણ રાહુલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ શમીએ ચમિરા (0) ને આઉટ કરી ભારતને સાતમી સફળતા અપાવી હતી. 


શ્રીલંકાની ટીમે 29 રન પર આઠમી વિકેટ ગુમાવી હતી. એન્જેલો મેથ્યૂઝ 12 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. શમીએ રજિથાને આઉટ કરી પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 18 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે સિરાજને 3, બુમરાહ અને જાડેજાને 1-1 વિકેટ મળી હતી. 


શમી વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો
મોહમ્મદ શમીએ વિશ્વકપ 2023માં માત્ર ત્રીજી મેચ રમી છે અને ધમાલ મચાવી દીધો છે. શમીએ ત્રણ મેચમાં બીજીવાર પાંચ વિકેટ લીધી છે. આ સાથે મોહમ્મદ શમીની વિશ્વકપમાં 45 વિકેટ થઈ ગઈ છે. મોહમ્મદ શમી વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. આ સાથે શમીએ વિશ્વકપના ઈતિહાસમાં ત્રીજીવાર એક ઈનિંગમાં પાંચ કે તેનાથી વધુ વિકેટ લીધી છે. શમીએ મિચેલ સ્ટાર્કના રેકોર્ડની બરોબરી કરી છે. મિચેલ સ્ટાર્કે વિશ્વકપમાં ત્રણ વખત પાંચ કે તેનાથી વધુ વિકેટ લીધી છે. 

ભારતની ઈનિંગનો રોમાંચ
મુંબઈના વાનખેડેમાં ટોસ જીતીને શ્રીલંકાએ ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પોતાના હોમ ગ્રાઉન્ડમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફ્લોપ રહ્યો હતો. ઈનિંગના પ્રથમ બોલ પર રોહિતે બાઉન્ડ્રી ફટકારી હતી. પરંતુ બીજા બોલ પર રોહિત શર્મા બોલ્ડ થયો હતો. ભારતને 4 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ શુભમન ગિલ અને રોહિતે ઈનિંગ સંભાળી હતી. શરૂઆતી ઓવરોમાં શ્રીલંકાએ સારી બોલિંગ કરી હતી. કોહલી અને ગિલને જીવનદાન પણ મળ્યા હતા. 


વિરાટ કોહલી અને ગિલ વચ્ચે 189 રનની ભાગીદારી
ભારતે પ્રથમ પાવરપ્લેમાં 60 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને શુભમન ગિલે શરૂઆતી ઓવર બાદ શાનદાર રીતે શ્રીલંકન બોલરોનો સામનો કર્યો હતો. બંનેએ ભારતની રનરેટ પણ 6થી ઉપર પહોંચાડી દીધી હતી. ગિલ અને વિરાટ કોહલીએ પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. બંને ખેલાડી મોટી ઈનિંગ રમશે તેમ લાગી રહ્યું હતું. પરંતુ ગિલ અને વિરાટ સદી ચુકી ગયા હતા. 


શુભમન ગિલ 92 બોલમાં 11 ફોર અને 2 સિક્સની મદદથી 92 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે 189 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. ત્યારબાદ  વિરાટ કોહલી પણ 94 બોલમાં 11 ચોગ્ગા સાથે 88 રન બનાવી આઉટ થયો હતો. બંને ખેલાડીઓ સદી ચુકી ગયા હતા. મધુશંકાએ ગિલ અને કોહલીને આઉટ કર્યા હતા. ભારતે 196 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. 


અય્યર અને જાડેજાએ સ્કોર પહોંચાડ્યો 350ને પાર
ભારતે એક સાથે ગિલ અને કોહલીને વિકેટ ગુમાવ્યા બાદ કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે ચોથી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. કેએલ રાહુલ 19 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ પણ 12 રન બનાવી આઉટ થયો હતો. શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરી હતી. અય્યર 56 બોલમાં 6 સિક્સ અને 3 ચોગ્ગા સાથે 82 રન બનાવી આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા 35 રન બનાવી રનઆઉટ થયો હતો.


દિલશાન મધુશંકાની 5 વિકેટ
શ્રીલંકા તરફથી દિલશાન મધુશંકાએ શાનદાર બોલિંગ કરી હતી. મધુશંકાએ 10 ઓવરમાં 80 રન આપી 5 વિકેટ ઝડપી હતી. મધુશંકાએ રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યરને પેવેલિયન પરત મોકલ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube