બેંગલુરૂઃ આઈસીસી વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડે પોતાના અંતિમ લીગ મેચમાં શ્રીલંકાને 5 વિકેટે પરાજય આપી સેમીફાઈનલની ટિકિટ લગભગ મેળવી લીધી છે. કરોયા મરો મુકાબલામાં ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કરતા ટૂર્નામેન્ટમાં પાંચમી જીત મેળવી છે. આ જીત સાથે ન્યૂઝીલેન્ડના 10 પોઈન્ટ થઈ ગયા છે અને હવે તે સેમીફાઈનલ રમશે તે લગભગ નક્કી જ છે. ચિન્નાસ્વામીમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 23.2 ઓવરમાં 172 રન બનાવી મેચ જીતી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડની આક્રમક શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત મજબૂત રહી હતી. ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ પ્રથમ વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી હતી. કોનવે 42 બોલમાં 9 ચોગ્ગા સાથે 45 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રચિન રવિન્દ્ર 34 બોલમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સ સાથે 42 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન કેન વિલિયમસન 14 રન બનાવી આઉટ થયો હતો. 


ડેરિલ મિચેલે પણ આક્રમક બેટિંગ કરી હતી. મિચેલે 31 બોલમાં 5 ફોર અને બે સિક્સ સાથે 43 રન ફટકાર્યા હતા. તેને મેથ્યુસે આઉટ કર્યો હતો. માર્ક ચેપમેન 7 રન બનાવી રનઆઉટ થયો હતો.


શ્રીલંકા ઓલઆઉટ
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. ટીમને પ્રથમ ઝટકો 3 રનના સ્કોરે લાગ્યો હતો. શ્રીલંકાનો બીજો બેટર 30 રનના સ્કોર પર આઉટ થયો હતો. 


કુસલ પરેરાની અડધી સદી
શ્રીલંકા માટે કુસલ પરેરાએ સૌથી વધુ રન બનાવ્યા. કુસલ પરેરાએ 28 બોલમાં 51 રન ફટકાર્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 9 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. ઓપનર પથુમ નિશંકા 2 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન કુસલ મેન્ડિસ 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. સદીરા વિક્રમાએ 5 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ ચરિથ અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા અને ચમિકા કરૂણારત્ને ક્રમશઃ 8, 16, 19 અને 6 રનનું યોગદાન આપી શક્યા હતા. 


નીચલા ક્રમના બેટરોએ આપ્યું મહત્વનું યોગદાન
પરંતુ લોઅર ઓર્ડરના બેટર મહીશા તીક્ષ્ણાએ જરૂર સંઘર્ષપૂર્ણ ઈનિંગ રમી હતી. તીક્ષ્ણાએ 91 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું. તેણે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય દિલશાન મધુશંકાએ 19 રન બનાવ્યા હતા. આ બંનેએ અંતિમ વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. જેની મદદથી શ્રીલંકાની ટીમ 171 રન બનાવી શકી હતી.


બોલ્ટે ઝડપી સૌથી વધુ વિકેટ
ન્યૂઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય લોકી ફર્ગ્યૂસન, મિચેલ સેન્ટરન અને રચિન રવીન્દ્રએ બે-બે સફળતા મેળવી હતી. સાઉદીને પણ એક વિકેટ મળી હતી.