World Cup 2023: 2 જગ્યા, 4 ટીમ, જાણો કોની છે સેમીફાઈનલ માટે મજબૂત દાવેદારી, જાણો સમીકરણ
World Cup 2023: આઈસીસી વિશ્વકપ-2023માં સેમીફાઈનલ માટે બે ટીમોએ જગ્યા બનાવી લીધી છે. ભારત બાદ સાઉથ આફ્રિકાની ટીમ પણ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે બે જગ્યા માટે ચાર ટીમો વચ્ચે ટક્કર જોવા મળશે.
નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વકપ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. હવે દરેક મેચના પરિણામ સાથે સેમીફાઈનલની રેસ રોમાંચક બની રહી છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતે સતત સાત મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. હવે સેમીફાઈનલ માટે બીજી ટીમ પણ નક્કી થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાને 21 રને જીત મેળવી છે. પાકિસ્તાનની જીત સાથે સાઉથ આફ્રિકા સેમીફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. હવે સેમીફાઈનલ માટે બે જગ્યા ખાલી છે.
ભારત અને આફ્રિકા સેમીફાઈનલમાં
ભારતીય ટીમે 14 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં એન્ટ્રી કરી હતી. સેમીફાઈનલની ટિકિટ મેળવનારી રોહિત શર્માની સેના પ્રથમ ટીમ બની હતી. હવે સેમીફાઈનલમાં બીજી ટીમ તરીકે આફ્રિકાએ પ્રવેશ કરી લીધો છે. આફ્રિકાના 7 મેચમાં 6 જીત સાથે 12 રોઈન્ટ છે અને તેની બે મેચ બાકી છે. ભારતીય ટીમની પણ બે મેચ બાકી છે. ભારત અને સાઉથ આફ્રિકાના સેમીફાઈનલમાં પહોંચી જવાની સાથે હવે બે સ્થાન માટે ચાર ટીમો વચ્ચે લડાઈ જોવા મળશે.
આ પણ વાંચોઃ PAK vs NZ: પાકિસ્તાનની સેમીફાઈનલની આશા જીવંત, ન્યૂઝીલેન્ડ સામે 21 રને મેળવી જીત
ઓસ્ટ્રેલિયા મજબૂત દાવેદાર
સેમીફાઈનલની રેસમાં પાંચ વખતની ઓસ્ટ્રેલિયા સૌથી મજબૂત સ્થિતિમાં છે. ઓસ્ટ્રેલિયાના 6 મેચમાં 4 જીત સાથે કુલ 8 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા આજે ઈંગ્લેન્ડ સામે રમી રહી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની અંતિમ બે મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે રમવાની છે. એટલે કે ઓસ્ટ્રેલિયા બે મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી લેશે.
અફઘાનિસ્તાન પાસે તક, પરંતુ મુશ્કેલ છે માર્ગ
સેમીફાઈનલમાં પહોંચવા માટે અફઘાનિસ્તાન પાસે શાનદાર તક છે, પરંતુ તેનો માર્ગ મુશ્કેલ લાગી રહ્યો છે. અફઘાનિસ્તાનના 7 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ છે. અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવા માટે પોતાની અંતિમ બંને મેચ જીતવી પડશે. પરંતુ અફઘાન માટે આ મુશ્કેલ લાગી રહ્યું છે. કારણ કે અફઘાનિસ્તાને પોતાની છેલ્લી બે મેચમાં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે.
આ પણ વાંચોઃ World Cup 2023: વિશ્વકપમાં આ ખેલાડીને લાગી લોટરી, BCCI એ બનાવી દીધો વાઈસ કેપ્ટન
ન્યૂઝીલેન્ડ
સેમીફાઈનલ માટેની ચોથી ટીમ માટે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. ટૂર્નામેન્ટમાં શરૂઆતી 4 મેચ જીતીને શાનદાર શરૂઆત કરનાર કીવી ટીમ છેલ્લી ચાર મેચમાં હારી છે. ન્યૂઝીલેન્ડના 8 મેચમાં 8 પોઈન્ટ છે અને તેણે પોતાની અંતિમ મેચ 9 નવેમ્બરે શ્રીલંકા સામે રમવાની છે. જો ન્યૂઝીલેન્ડ આ મેચ જીતે તો તેની સેમીફાઈનલમાં પહોંચવાની આશા મજબૂત રહેશે.
પાકિસ્તાન
ટૂર્નામેન્ટમાં એક સમયે બહાર થવા આવેલી પાકિસ્તાને છેલ્લી બે મેચમાં જીત મેળવી સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. પાકિસ્તાનની ટીમના 8 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ છે. પાકિસ્તાને પોતાની અંતિમ લીગ મેચ 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે રમવાની છે. પાકિસ્તાને આ મેચ જીતવી પડશે સાથે નેટ રનરેટનું પણ ધ્યાન રાખવું પડશે. પાકિસ્તાન માટે સારા સમાચાર તે છે કે તેની મેચ ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા બાદ છે. એટલે જો ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામે જીતે તો પાકિસ્તાને ઈંગ્લેન્ડને કેટલા માર્જિંનથી હરાવવું પડશે તે તમામ ગણિત તેની પાસે હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube