નવી દિલ્હીઃ આઈસીસી વનડે વિશ્વકપ 2023નો લીગ રાઉન્ડ સમાપ્ત થઈ ગયો છે. ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી છે. તો સાઉથ આફ્રિકા બીજા, ઓસ્ટ્રેલિયા ત્રીજા અને ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાને રહ્યું છે. ટોપ-4 ટીમોએ સેમીફાઈનલમાં એન્ટ્રી કરી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈમાં પ્રથમ સેમીફાઈનલ રમાશે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બીજા સેમીફાઈનલમાં આમને-સામને હશે. આ મેચ ઈડન ગાર્ડન્સમાં 16 નવેમ્બરે રમાશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે. આવો તમને ચારેય ટીમોના અત્યાર સુધી સેમીફાઈનલના રેકોર્ડ વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયા આંકડામાં સેમીફાઈનલનો કિંગ છે. કાંગારૂ ટીમે આઠ સેમીફાઈનલમાં રમ્યા છે, જેમાંથી સાત વખત જીત મેળવી છે અને એકવાર હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા પાંચ વખત વનડે વિશ્વકપનું ટાઈટલ પોતાના નામે કરી ચુક્યુ છે. ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007 અને 2015માં ટ્રોફી પર કબજો કર્યો હતો. તો ઓસ્ટ્રેલિયા બાદ વધુ સેમીફાઈનલ ભારતે જીતી છે. ભારતે સાતમાંથી ત્રણ વખત સેમીફાઈનલમાં જીત મેળવી જ્યારે ચાર વખત હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે સતત બે વિશ્વકપ સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત 1983 અને 2011 વિશ્વકપમાં ચેમ્પિયન બન્યું હતું. 


આ પણ વાંચોઃ બોલિંગમાં તૂટશે વિશ્વકપનો મહા રેકોર્ડ, ઝમ્પાની સાથે બુમરાહ અને શમી પણ રેસમાં


ન્યૂઝીલેન્ડની ટીમ 8 વખત સેમીફાઈનલમાં પહોંચી છે, જેમાં તેને બે વખત જીત મળી છે. કીવી ટીમે છ વખત હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડ ક્યારેય ટાઈટલ જીતી શક્યું નથી. ન્યૂઝીલેન્ડે 2015 અને 2019માં વિશ્વકપની ફાઈનલ રમી હતી. સાઉથ આફ્રિકા ટીમે અત્યાર સુધી ચાર વખત સેમીફાઈનલ રમી હતી, જેમાં તેને ક્યારેય જીત મળી નથી. સાઉથ આફ્રિકાની ટીમ આ વખતે ચોકર્સનો ટેગ હટાવવા માટે ઉતરશે. આફ્રિકાએ લીગ રાઉન્ડમાં સાત મેચ જીતી છે, જ્યારે બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ લીગ રાઉન્ડમાં સાત અને ન્યૂઝીલેન્ડે પાંચ મેચ જીતી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube