World Cup માં પાકિસ્તાનની શરમજનક હારનો સિલસિલો અને બાબરની કથિત ચેટે લીધો ઈન્ઝમામનો ભોગ!
Inzamam Ul Haq: વર્લ્ડ કપમાં આ વખતે પણ ભારત સામે ઘૂંટણી પડેલું દેખાયું પાકિસ્તાન. અન્ય ટીમો સામે પણ ખરાબ રીતે હાર્યું પાકિસ્તાન. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સતત હાલનો સિલસિલો ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકને ભારે પડ્યો.
Pakistan Cricket Board: ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે રાજીનામું આપી દીધું છે. આ બધું ત્યારે થયું જ્યારે પાકિસ્તાન ટીમનું શરમજનક પ્રદર્શન વર્લ્ડ કપ 2023માં ચાલુ છે. આ બધાની વચ્ચે બાબર આઝમની ચેટના કથિત લીકથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે અને આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે.
જ્યાં એક તરફ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારતમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ 2023માં શરમજનક પ્રદર્શન કરી રહી છે તો બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ભૂકંપ આવી ગયો છે. આ ભૂકંપના કારણે પ્રથમ વિકેટ પડી છે અને મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકે રાજીનામું આપી દીધું છે. મુખ્ય પસંદગીકાર ઈન્ઝમામ ઉલ હકે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે બાબર આઝમની કથિત ચેટ પણ લીક થઈ ગઈ છે. કેટલાક પૂર્વ ક્રિકેટરો આ લીક મામલામાં PCB અધ્યક્ષ ઝકા અશરફને જવાબદાર ઠેરવી રહ્યા છે. ત્યારે કેટલાક એવા પણ છે જેઓ ખરાબ પ્રદર્શન માટે બાબર આઝમને સુકાનીપદેથી હટાવવાની માંગ કરી રહ્યા છે.
ઇન્ઝમામની બીજી મુદત-
હાલમાં ઈન્ઝમામ ઉલ હકે પોતાનું રાજીનામું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સુપ્રીમો ઝકા અશરફને મોકલી આપ્યું છે. ઈન્ઝમામ ઉલ હક આ પહેલા પણ આ પદ પર રહી ચૂક્યા છે. તેમના પ્રથમ કાર્યકાળમાં, તેઓ 2016-19 સુધી પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર હતા. તે કોચની ભૂમિકામાં પણ હતા. આ પછી થોડા સમય પહેલા ઓગસ્ટ મહિનામાં તેમને ફરીથી આ જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હાલમાં જ તેને પાકિસ્તાન ટીમની ખરાબ હાલત માટે પણ નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. એટલું જ નહીં ઈન્ઝમામ પર પક્ષપાતનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટમાં ઉથલપાથલ-
ઈન્ઝમામના રાજીનામાની સાથે એ નક્કી થઈ ગયું કે પાકિસ્તાન ક્રિકેટમાં ઉથલપાથલનો સમયગાળો ચાલુ છે. નિષ્ણાતો પણ માને છે કે ટૂંક સમયમાં વધુ રાજીનામા આવી શકે છે. જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમનું રાજીનામું પણ સામેલ હોઈ શકે છે. જોકે, ટીમ અત્યારે ભારતમાં વર્લ્ડ કપ રમી રહી છે અને તેની ત્રણ મેચ બાકી છે. આ બધાની વચ્ચે કેપ્ટન બાબર આઝમની એક કથિત ચેટ પણ વાયરલ થઈ રહી છે જેમાં તે કંઈક જવાબ આપતા જોવા મળી રહ્યા છે. આ ચેટને લઈને પણ હોબાળો થઈ રહ્યો છે.
પીસીબીનું નિવેદન-
ઈન્ઝમામના રાજીનામાની વચ્ચે PCBનું નિવેદન પણ સામે આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે, 'પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ટીમની પસંદગી પ્રક્રિયા સંબંધિત મીડિયામાં સામે આવેલા હિતોના ટકરાવના આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. કમિટી તેનો રિપોર્ટ અને કોઈપણ સૂચનો પીસીબી મેનેજમેન્ટને વહેલી તકે સુપરત કરશે.