ભુવનેશ્વર કુમારની વર્લ્ડ કપ માટે શું છે તૈયારી, આઇપીએલમાં પહેલી વિકેટ લેવા થયા 10 દિવસ
ટીમ ઇન્ડિયાના ફાસ્ટર ભુવનેશ્વર કુમારના દેખાવને લઇને ફેન્સ ચિંતામાં પડ્યા છે. બે મહિના પછી ઇંગ્લેન્ડમાં યોજાનાર વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા કેવો દેખાવ કરશે? મોટો સવાલ થયો છે. ટીમ ઇન્ડિયાના ફાસ્ટર બોલર ભુવનેશ્વર કુમારનો જાદુ આઇપીએલમાં ચાલ્યો નથી. 10 મેચ બાદ ભુવીને પહેલી વિકેટ મળી છે.
નવી દિલ્હી : આઇપીએલ 2019માં આ વખતે ફેન્સની નજર એવા ખેલાડીઓ પર વધુ કેન્દ્રિત છે કે જેઓ બે મહિના બાદ ઇંગ્લેન્ડ જઇને ભારતીય ટીમ માટે વર્લ્ડ કપ રમવાના છે. તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બેંગલુરૂ માટે રમતાં જે રીતે આઉટ થઇ રહ્યા છે એ જોતાં ટીમ ઇન્ડિયાના ફેન્સ ચિંતિંત બન્યા છે. હવે ટીમ ઇન્ડિયાના ટોપ બોલરના પ્રદર્શનથી ચિંતા થાય એવું છે. અહીં અન્ય કોઇની નહીં પરંતુ ભારતના સ્વિંગ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની છે કે જેમણે આ વર્ષે આઇપીએલમાં પોતાની પહેલી વિકેટ લેવામાં 10 દિવસ લગાવી દીધા છે.
આઇપીએલના 16 મેચમાં દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે મેચ હતી, હૈદરાબાદ ટીમની આ વખતે કપ્તાની ભુવનેશ્વર કુમાર કરી રહ્યા છે. જેમણે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પીચ અને સ્થિતિ જોતાં આ નિર્ણય યોગ્ય લાગતો હતો પરંતુ પહેલી ઓવરમાં પૃથ્વી શોએ ભુવીની ઓવરમાં બે ચોગ્ગા લગાવી પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યો હતો. પરંતુ ત્રીજી ઓવરમાં ભુવીએ શોને બોલ્ડ કરી આ સિઝનની પહેલી વિકેટ લીધી હતી.
પ્રથમ ત્રણ મેચમાં ફ્લોપ
ભુવીના એક શાનદાર ઓફ કટરમાં પૃથ્વી શો થાપ ખાઇ ગયો અને બોલ્ડ થયો હતો. આ સાથે આઇપીએલની આ સિઝનમાં વિકેટ માટે તરસી રહેલા ભુવીને પ્રથમ વિકેટ મળી, પહેલી મેચમાં કોલકત્તા વિરૂધ્ધ ભુવીએ 4 ઓવરમાં 37 રન આપ્યા હતા. બીજી મેચ રાજસ્થાન સામે હતી જેમાં ભુવીએ 4 ઓવરમાં સૌથી વધુ 55 રન આપ્યા હતા. ત્રીજી મેચમાં બેંગલુરૂ સામે 3 ઓવરમાં 25 રન આપ્યા હતા.
ભુવી આ અગાઉ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ પણ બોલિંગમાં પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ વર્ષે 10 વન ડે મેચમાં ભુવીએ 22.36ની સરેરાશ અને 5.23 ટકાની ઇકોનોમી સાથે 19 વિકેટ લીધી છે. 3 ટી-20 મેચમાં 37.66 ટકા સરેરાશ સાથે 9.41 સરેરાશ સાથે માત્ર 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત ડેથ ઓવર્સમાં ભુવીનો પ્રભાવ પણ ઓછો થઇ રહ્યો છે. ડેથ ઓવર્સમાં તે વધુ રન આપી રહ્યા છે અને વિકેટ પણ લઇ શકતો નથી.
છેલ્લી ઓવરોમાં સારી બોલિંગ
દિલ્હી વિરૂધ્ધ ભુવીએ અંતિમ ઓવર્સમાં સારી બોલિંગ કરી છે. ઇનિંગની 16મી ઓવરમાં ભુવીએ માત્ર 8 રન જ આપ્યા હતા. 19મી ઓવરમાં 10 રન આપ્યા હતા ક્રિસ મોરિસને આઉટ કર્યા હતા. આ ઉપરાંત જો સંદિપે કેચ છોડ્યો ન હોત તો ત્રીજી વિકેટ પણ મળતી.