નવી દિલ્હીઃ વિશ્વ કપ ઈતિહાસની કોઈ મેચ લગભગ આટલી રોમાંચક રહી હશે, જેટલી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલ રહી હતી. આ મુકાબલામાં પ્રથમ મેચ ટાઈ રહી અને સુપરઓવર સુધી ગઈ અને ત્યારબાદ સુપરઓવર પણ ટાઈ રહી હતી. ત્યારબાદ બાઉન્ડ્રીના આધાર પર વિશ્વ કપ વિજેતા ટીમની જાહેરાત કરવામાં આવી હતી. લંડનના લોર્ડ્સમાં રમાયેલી આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની ફાઇનલમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવ્યું તે પણ બાઉન્ડ્રીના આધાર પર. તેવામાં હવે બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડની માફી માગી છે. 


હકીકતમાં વિશ્વ વિજેતા બનવા માટે ઈંગ્લેન્ડને અંતિમ 6 બોલ પર 15 રનની જરૂર હતી. તેવામાં બેન સ્ટોક્સે અંતિમ ઓવરના ત્રીજા બોલ પર છગ્ગો ફટકાર્યો અને ત્રણ બોલમાં નવ રન લેવા માટે તેણે જ્યારે મિડવિકેટ બાઉન્ડ્રી પર શોટ ફટકાર્યો અને બીજો રન લેવા માટે દોડ્યો તો માર્ટિન ગુપ્ટિલનો થ્રો તેના બેટ પર લાગ્યો અને બોલ બાઉન્ડ્રી બહાર પહોંચી ગયો હતો. અંતિમ બે બોલ પર ઈંગ્લેન્ડને ત્રણ રનની જરૂર હતી, પરંતુ બે રન બનાવી શક્યું, આ કારણે મેચ ટાઈ થઈ હતી. સુપર ઓવરમાં પણ ટાઈ રહી અને અંતે બાઉન્ડ્રીના આધાર પર ઈંગ્લેન્ડે વિશ્વકપ પોતાના નામે કર્યો હતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર