World Cup 2019: શું મેચમાં વરસાદ આવવા પર દર્શકોને પરત મળે છે ટિકિટના પૈસા? જાણો
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ-2019 ચાલી રહ્યો છે. પરંતુ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી વરસાદને કારણે ત્રણ મેચ રદ્દ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના નોટિંઘમમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે, પરંતુ વરસાદને કારણે મેચમાં મોડું થઈ રહ્યું છે. મેચ શરૂ થવામાં સમય લાગી શકે છે અને મેચ શરૂ થયા બાદ વરસાદ વિઘ્ન પાડી શકે છે. તેવામાં ક્યારેય તમે વિચાર્યું છે જ્યારે વરસાદને કારણે મેચ રદ્દ થઈ જાય તો ટિકિટ ખરીદીને મેચ જોવા આવેલા દર્શકોને ટિકિટના પૈસા પરત મળે છે કે નહીં અને જો મળે તો કેટલા રૂપિયા પરત મળે છે.
ક્રિકેટ વિશ્વ કપનું આયોજન કરનારી સંસ્થા આઈસીસીના નિયમો અનુસાર, ટિકિટ ખરીદીને મેચ જોવા આવેલા દર્શકોને મેચ રદ્દ થવા પર પૈસા મળે છે. તેમાં માટે ઘણા સ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે અને રમાયેલી ઓવરના આધારે નક્કી કરવામાં આવે છે કે દર્શકોને કેટલા રૂપિયા પરત મળશે. જો મેચ શરૂ જ ન થઈ શકે તો ટિકિટના પૈસા વધારે મળશે અને જો કેટલિક ઓવરોમાં વરસાદ આવે તો અલગ-અલગ હિસાબથી પૈસા રિફન્ડ કરવામાં આવે છે.
વર્લ્ડકપની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલા નિયમો અનુસાર જો મેચ 15 ઓવર કે તેની પહેલા રોકાઇ જાય અને રદ્દ થઈ જાય તો દર્શકોને બધા પૈસા પરત મળશે. જો મેચ 15.1 ઓવરથી લઈને 29.5 ઓવર સુધી રમાઇ તો દર્શકોને 50 ટકા પૈસા પરત મળે છે. જો મેચ 30 ઓવર બાદ રોકવામાં આવે તો દર્શકોને પૈસા પરત આપવામાં આવતા નથી.
કઈ રીતે મળે છે રિફંડ?
જો તમે આઈસીસીની વેબસાઇટ પરથી ટિકિટ ખરીદી છે તો તમને 28 દિવસની અંદર ઓટોમેટિક પૈસા પરત કરી દેવામાં આવશે. તે માટે તમારે કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી. જો લોકોએ સ્ટેડિયમ પરથી ટિકિટ ખરીદી છે તો તેને પોતાની ટિકિટ એક ચોક્કસ એડ્રેસ પર મોકલવાની રહેશે અને એક પ્રક્રિયાના માધ્યમથી તેને પૈસા પરત કરવામાં આવશે.