નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને તેમના જ ઘરઆંગણે હરાવીને કમાલ કરી દીધો છે. બે ટેસ્ટ મેચની સીરીઝમાં ટીમ ઈન્ડિયાએ 2-0થી જીત હાંસિલ કરી છે. ભારતની વર્ષ 2022માં આ છેલ્લી સીરિઝ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત હાંસલ કરી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પર ટકેલી છે, કારણ કે આ સીરિઝમાં જીતની સાથે ભારતની સ્થિતિ ઘણી મજબૂત થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશ વિરુદ્ધ મળેલી 2-0થી જીત બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર પહોંચી ગઈ છે. હવે ભારતના આગળ માત્ર ઓસ્ટ્રેલિયા જ છે, તેમના વિરુદ્ધ ભારતને હવે પોતાના ઘરઆંગણે જ ટેસ્ટ સીરિઝ રમવાની છે. એવામાં ટીમ ઈન્ડિયાના ફાઈનલમાં પહોંચવાનો સોનેરી અવસર છે.


ટીમ ઈન્ડિયાએ કેવી રીતે મેળવી આ રેંક?
બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતને જ્યારે પહેલી ટેસ્ટ મેચમાં જીત મળી હતી, ત્યારે તેઓ નંબર-3 પર હતો. હવે 2-0ની જીતની સાથે સાથે ઓસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાને મળેલી હારના કારણે ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો મળ્યો છે. સીરિઝ પુરી થયા બાદ ભારતની જીતની ટકાવારી 58.93 ટકા થઈ ગઈ છે, જ્યારે ત્રીજા નંબર પર સાઉથ આફ્રિકા છે જે 54.55 ટકા જીતની ટકાવારી છે.


આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયાએ 8 મેચ જીતી છે, 4 મેચ હારી છે અને 2 મેચ ડ્રો પણ રહી છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી 5 સીરિઝ રમી ચુકી છે, જ્યારે તેનાથી પાંચ પોઈન્ટ પેનલ્ટીમાં પણ ગુમાવ્યા છે.



ફાઈનલમાં કેવી રીતે પહોંચશે ટીમ ઈન્ડિયા?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં રહેનાર ટીમની વચ્ચે થાય છે. ગત વખતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે જીત હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયાને આ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હજું 4 મેચ રમવાની બાકી છે, જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનાર છે. એવામાં ટીમ ઈન્ડિયાને જો ફાઈનલમાં પોતાની જીત પાક્કી કરવી છે, તો ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સીરિઝમાં માત આપવી જ પડશે.


ટીમ ઈન્ડિયા જો ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે 4-0થી હરાવી દેશે તો ભારતનો જીતની ટકાવારી 68.1 થશે અને તે લગભગ ફાઈનલમાં પહોંચી જશે. જોકે, ઓસ્ટ્રેલિયાને માત આપવી એટલી સરળ રહેશે નહીં અને અહીં ટીમ ઈન્ડિયાને જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે.



ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 ટેસ્ટ મેચની સીરિઝમાં કેવા પરિણામ પર કેવી અસર થશે


  • - જો ભારત એક પણ મેચ જીતશે નહીં તો ત્યારે જીતની ટકાવારી 45.8 ટકા

  • - જો ભારત એક જ મેચ જીતશે તો ત્યારે જીતની ટકાવારી 51.4 ટકા

  • - જો ભારત બે મેચ જીતશે તો ત્યારે જીતની ટકાવારી 56.9 ટકા

  • - જો ભારત ત્રણ મેચ જીતશે તો ત્યારે જીતની ટકાવારી 62.5 ટકા

  • - જો ભારત ચારેય મેચ જીતી જશે તો જીતની ટકાવારી 68.1 ટકા