WPL 2023: વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં મુંબઈની શાનદાર જીત, ગુજરાતને 143 રને હરાવ્યું
MIW vs GG: ગુજરાત જાયન્ટ્સને મેચ જીતવા માટે 208 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ મુંબઈ ઈન્ડિયનાસના બોલરોની સામે બેથ મૂનીની ટીમ માત્ર 64 રન બનાવી શકી હતી.
મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સ (WI) એ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2023માં ધમાકેદાર વિજય સાથે શરૂઆત કરી છે. મુંબઈએ શનિવારે ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન મેચમાં ગુજરાત જાયન્ટ્સ (GG) ને 143 રને કારમો પરાજય આપ્યો છે. મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌર (65), હેલી મેથ્યૂઝ (47) અને અમેલિયા કેર (અણનમ 45) રનની મદદથી 20 ઓવરમાં 207 રન ફટકારી દીધા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમ 15.1 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 64 રન બનાવી શકી હતી. કેપ્ટન બેથ મૂની (0) પહેલી ઓવરમાં રિટાયર્ડ હર્ટ થઈ ગઈ અને તે બીજીવાર બેટિંગ કરવા આવી નહીં. ગુજરાત માટે દયાલન હેમલતા (29) એ સર્વાધિક રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સાયકા ઇસ્હાકે ચાર વિકેટ લીધી હતી. નતાલી સીવર-અમેલિયાએ બે-બે સફળતા મેળવી હતી.
ટોસ ગુમાવી બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત સારી રહી નહીં. ઓપનિંગ બેટર યાસ્તિકા ભાટિયા (1) ત્રીજી ઓવરમાં 15ના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ ઓપનર હેલી મેથ્યૂઝ અને નતાલી સીવર (23 બોલમાં 28 રન) એ બીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી. સીવર નવમી ઓવરમાં આઉટ થઈ હતી. તો મેથ્યૂઝ 10મી ઓવરમાં પેવેલિયન પરત ફરી હતી. તેણે 31 બોલમાં ચાર સિક્સ અને ત્રણ ચોગ્ગા સાથે 47 રન ફટકાર્યા હતા.
આ પણ વાંચોઃ પ્રથમ પુણ્યતિથિ પર શેન વોર્નને યાદ કરી ભાવુક થયા સચિન તેંડુલકર, કહી આ વાત
77 રનના સ્કોર પર મુંબઈની ત્રણ વિકેટ પડ્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરે મોર્ચો સંભાળ્યો હતો. તેણે ચોથી વિકેટ માટે અમેલિયા કેરની સાથે 89 રનની ભાગીદારી કરી હતી. હરમનપ્રીત કૌરે 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે ટૂર્નામેન્ટમાં અડધી સદી ફટકારનાર પ્રથમ બેટર બની છે. હરમનપ્રીત કૌર તોફાની બેટિંગ બાદ 17મી ઓવરમાં આઉટ થઈ હતી. તેણે 30 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. પૂજા વસ્ત્રાકરે 8 બોલમાં 15 રનનું યોગદાન આપ્યું હતું. તે 20મી ઓવરમાં આઉટ થઈ હતી. અમેલિયાએ 24 બોલમાં છ ફોર અને એક સિક્સ સાથે અણનમ 45 રન ફટકાર્યા હતા.
ગુજરાત જાયન્ટ્સ માટે સ્નેહ રાણાએ સૌથી વધુ વિકેટ લીધી હતી. સ્નેહ રાણાએ 4 ઓવરમાં 43 રન આપી બે સફળતા મેળવી હતી. આ સિવાય એશ્લે ગાર્ડનર, તાનુજા કંવર અને જોર્જિયા વેયરહમને 1-1 વિકેટ મળી હતી. આ પહેલાં ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન બેથ મૂનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube