લંડનઃ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં (WTC Final 2023) પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 85 ઓવરમાં 3 વિકેટે 327 રન ફટકારી દીધા છે. દિવસના અંતે ટ્રેવિસ હેડ 156 બોલમાં 22 ચોગ્ગા અને 1 સિક્સની સાથે 146 અને સ્ટીવ સ્મિથ 95 રન બનાવી ક્રીઝ પર છે. ભારત તરફથી મોહમ્મદ સમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેવિસ હેડની ધમાકેદાર ઈનિંગ
છેલ્લા બે વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા ટ્રેવિસ હેડે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં શાનદાર સદી ફટકારી છે. એક સમયે ઓસ્ટ્રેલિયન ટીમ સંકટમાં લાગી રહી હતી પરંતુ હેડે કાઉન્ટર એટેક કર્યો હતો. ટ્રેવિસ હેડે માત્ર 106 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ત્યારબાદ પણ તેણે આક્રમક બેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ સાથે ટ્રેવિસ હેડ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સદી ફટકારનાર પ્રથમ બેટર બની ગયો છે. હેડ દિવસના અંતે 146 રન બનાવી અણનમ રહ્યો હતો. 


સ્ટીવ સ્મિથ અને હેડ વચ્ચે 251 રનની ભાગીદારી
એક સમયે ઓસ્ટ્રેલિયાએ 76 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. કાંગારૂ ટીમ મુશ્કેલમાં લાગી રહી હતી. પરંતુ સ્ટીવ સ્મિથે શાનદાર બેટિંગ કરી હતી. સ્મિથ અને ટ્રેવિસ હેડ વચ્ચે ચોથી વિકેટ માટે 251 રનની ભાગીદારી કરી હતી. બંનેએ છેલ્લા સેશનમાં તો ચારથી વધુની એવરેજથી રન ફટકાર્યા હતા. સ્મિથ દિવસના અંતે 227 બોલમાં 14 ચોગ્ગાની સાથે 95 રન બનાવી અણનમ રહ્યો હતો. 


શરૂઆતમાં શમી-સિરાજને મળી વિકેટ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને 2 રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ઉસ્માન ખ્વાજા 10 બોલનો સામનો કરી શૂન્ય રન પર સિરાજનો શિકાર બન્યો હતો. લંચ પહેલા શાર્દુલ ઠાકુરે ડેવિડ વોર્નર (43)  ને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. વોર્નર 60 બોલમાં આઠ ચોગ્ગા ફટકારી આઉટ થયો હતો. મોહમ્મદ શમીએ લંચ બાદ માર્નસ લાબુશેન (26) ને ક્લિન બોલ્ડ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube