નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ સમાપ્ત થયા બાદ હવે વિશ્વભરમાં ટીમો ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આગામી વર્ષે ધ ઓવલમાં રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (2021-2023) ની રેસ ખુબ રોમાંચક ચાલી રહી છે. ભારતીય ટીમ પોતાના ફાઇનલ રાઉન્ડની શરૂઆત કરવાની છે. બાંગ્લાદેશ વિરુદ્ધ 14 ડિસેમ્બરથી બે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે, પછી ઘર પર ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચ રમાવાની છે. વેસ્ટ ઈન્ડિઝને 2-0થી હરાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા ફાઇનલની પ્રબળ દાવેદાર છે. હવે કાંગારૂ ટીમે 17 ડિસેમ્બરથી આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. તો ઈંગ્લેન્ડ સામે સતત બે મેચ હારીને પાકિસ્તાન ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. એટલે હવે ફાઇનલ મુકાબલા માટે ચાર ટીમો વચ્ચે રેસ થશે, જેમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકાની સાથે-સાથે ભારત પણ દાવેદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ઓસ્ટ્રેલિયા ક્વોલિફાઇ કરશે?
પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પહોંચવા માટે પોતાની બાકી સાત મેચમાંથી માત્ર ત્રણમાં જીતની જરૂર છે. બે જીત અને એક ડ્રો પણ તેનું કામ સરળ કરી દેશે. ઓસ્ટ્રેલિયાએ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. ત્યારબાદ ફેબ્રુઆરી-માર્ચ 2023માં ભારતનો પ્રવાસ કરવાનો છે, જ્યાં ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે. 


શું સાઉથ આફ્રિકા કરશે ક્વોલિફાઈ?
ડીન એલ્ગરની પ્રોટિયાઝ ટીમે ફાઇનલમાં ક્વોલિફાઇ કરવા માટે પોતાની બાકી 5માંથી ત્રણ મેચ જીતવાની જરૂર છે. વર્તમાન સાઇકલમાં ટીમે સારૂ પ્રદર્શન કર્યું છે. 2021માં ભારતને પોતાના ઘરમાં 2-1થી હરાવ્યું. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 1-1થી શ્રેણી ડ્રો રહી. બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું, પરંતુ ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે 1-2થી સિરીઝ ગુમાવી હતી. ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે આફ્રિકા ત્રણ મેચ રમશે, ત્યારબાદ માર્ચ 2023માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઘરઆંગણે બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે. 


આ પણ વાંચોઃ મેસ્સી કે મોડ્રિચ, કોનું સપનું ચકનાચૂર થશે? સેમિફાઇનલ પહેલાં ચિંતામાં છે આર્જેન્ટીના


શું શ્રીલંકા ક્વોલિફાઇ કરશે?
શ્રીલંકાની ફાઇનલ માટે ક્વોલિફાઈ કરવાની આશા ન્યૂઝીલેન્ડમાં તેના પ્રદર્શન પર ટકેલી છે. આ ટીમે માર્ચ-એપ્રિલ 2023માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે મેચની સિરીઝ રમવાની છે. શ્રીલંકાએ ફાઇનલમાં પહોંચવા માટે બીજી મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. 


શું ભારત કરશે ક્વોલિફાઇ?
પાછલા વર્ષે સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે હાર બાદ ભારતની ફાઇનલમાં પહોંચવાની આશાને ઝટકો લાગ્યો હતો, પરંતુ જો ટીમે સતત બીજી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું હોય તો કમાલ કરવો પડશે. રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી રહેલ કેએલ રાહુલ ઈચ્છશે કે બાંગ્લાદેશને 2-0થી ક્લીન સ્વિપ કરે. ભારતે ફાઇનલમાં પહોંચવા માટે પોતાની બાકી છ ટેસ્ટમાંથી પાંચમાં જીત મેળવવી પડશે. બાંગ્લાદેશ બાદ ભારત આગામી વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube