નવી દિલ્હી: આઈપીએલના કારણે અનેક ખેલાડીઓનું રાતોરાત ભાગ્ય પલટાઈ ગયું છે. આવો જ એક ખેલાડી છે રાજસ્થાનની ટીમમાં. ઘરેલુ ક્રિકેટમાં માત્ર 17 વર્ષની ઉંમરથી યૂથ વનડે મેચોમાં બેવડી સદી ફટકારનારા આ ખેલાડીએ ખુબ સંઘર્ષ બાદ સફળતાનો સ્વાદ ચાખ્યો છે. આ ખેલાડી એક સમયે મુંબઈમાં પાણીપુરી વેચતો હતો. આજે તે રાજસ્થાન રોયલ્સ માટે આઈપીએલમાં રમે છે અને એક સીઝનના 2.4 કરોડ રૂપિયા લે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ ભરવા માટે પાણીપુરી વેચતો હતો આ ક્રિકેટર
અંડર 19 વર્લ્ડ કપ 2020 દરમિયાન યશસ્વી જૈસવાલનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું. યશસ્વી જૈસવાલના સંઘર્ષની કહાની બહુ ઓછા લોકોને ખબર છે. યશસ્વી જૈસવાલ મુંબઈના આઝાદ મેદાનની બહાર પાણીપુરી વેચતો હતો. યશસ્વીએ પોતાની ટ્રેનિંગના સમયમાં ટેન્ટમાં જીવન પસાર કર્યું હતું. પરંતુ તેનામાં સફળતા મેળવવા માટે જૂનુન ખુબ ભરેલું હતું. યશસ્વીએ અંડર 19 વર્લ્ડ કપ 2020માં 400 રન બનાવ્યા હતા. જેમા એક સદી અને 4 અર્ધસદી સામેલ છે. 


આઈપીએલે કરોડપતિ બનાવી દીધો
યશસ્વી જૈસવાલને પોતાની આ રમત બદલ મેન ઓફ ધ ટુર્નામેન્ટ પણ પસંદ કરાયો હતો. વર્ષ 2020ની આઈપીએલની હરાજી દરમિયાન રાજસ્થાન રોયલ્સે જૈસવાલને 2.4 કરોડમાં ખરીદ્યો હતો. યશસ્વીનું નામ ત્યારે ચર્ચામાં આવી ગયું હતું જ્યારે તેણે વિજય હજારે ટ્રોફીની એક મેચમાં ઝારખંડ વિરુદ્ધ 154 બોલમાં 203 રનની તોફાની ઈનિંગ રમી હતી. અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશના ભદોહીનો રહીશ યશસ્વીનું બાળપણ ખુબ જ ગરીબીમાં પસાર થયું છે. માત્ર 11 વર્ષની ઉંમરે ક્રિકેટર બનવાનું સપનું લઈને જૈસવાલ મુંબઈ આવ્યો હતો. 


ટેન્ટમાં સૂતો હતો
યશસ્વી પોતાનું ગુજરાન ચલાવવા માટે આઝાદ મેદાનમાં રામલીલા સમયે પાણીપુરી અને ફળ વેચતો હતો. એવા પણ દિવસો હતા કે તે ખાલી પેટે સૂઈ જતો હતો. યશસ્વી એક ડેરીમાં કામ કરવા લાગ્યો. ડેરીવાળાએ એક દિવસ તેને કાઢી મૂક્યો. એક ક્લબ તેની મદદે આવી. પરંતુ શરત મૂકી કે તે સારું રમશે તો તેને ટેન્ટમાં રહેવા દેશે. ટેન્ટમાં રહેતા યશસ્વીનું કામ રોટી બનાવવાનું હતું. અહીં તેને બપોર અને રાતનું ખાવાનું પણ મળી જતું હતું. રૂપિયા કમાવવા માટે યશસ્વીએ બોલ શોધીને લાવવાનું કામ પણ કર્યું. 


જ્વાલા સિંહના કોચિંગમાં જિંદગી બદલાઈ
આઝાદ મેદાનમાં થનારી મેચોમાં મોટાભાગે બોલ ખોવાઈ જાય છે. બોલ શોધવા બદલ યશસ્વીને થોડા ઘણા પૈસા મળી જતા હતા. આઝાદ મેદાનમાં જ્યારે એક દિવસ યશસ્વી રમતો હતો ત્યારે તેના પર કોચ જ્વાલા સિંહની નજર પડી. જ્વાલા પોતે પણ યુપીથી છે. જ્વાલા સિંહના કોચિંગમાં યશસ્વીના ટેલેન્ટમાં એવો તે નિખાર આવ્યો કે તે સારો ક્રિકેટર બની ગયો. યશસ્વી પણ જ્વાલા સિંહના યોગદાનના વખાણ કરતા થાકતો નથી અને કહે છે કે હું તો તેમનો એડોપ્ટેડ સન (દત્તક દિકરો) છું. મને આજે આ મુકામ સુધી લાવવામાં તેમની ખુબ મહત્વની ભૂમિકા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube