બ્યુનસ આયર્સઃ યુથ એલિમ્પિકમાં ફાઈવ એ સાઈડ હોકીની સ્પર્ધામાં ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. બંને ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ હતી અને ગોલ્ડ મેડલની આશા જીવંત થઈ હતી, પરંતુ નિરાશા સાંપડી હતી. મલેશિયાની પુરુષ ટીમ અને આર્જેન્ટિનાની મહિલા ટીમે પ્રથમ વખત ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. બ્રોન્ઝ મેડલ આર્જેન્ટિનાની પુરુષ અને ચીનની મહિલા ટીમે જીત્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય પુરુષ ટીમ રવિવાર (14 ઓક્ટોબર)ના રોજ રમાયેલી ફાઈનલમાં મલેશિયા સામે 2-4થી હારી ગઈ હતી. મહિલા ટીમ યજમાન આર્જેન્ટિના સામે 1-3થી હારી ગઈ હતી.  



પુરુષ વર્ગની ફાઈનલમાં ભારતના વિવેક સાગર પ્રસાદે રમતની બીજી મિનિટમાં ગોલ કરીને લીડ મેળવી હતી. જોકે, મલેશિયાએ બે મિનિટ બાદ જ ગોલ કરીને સ્કોર બરાબર કરી દીધો હતો. ફિરદોસ રોસ્દીએ આ ગોલ કર્યો હતો. પ્રસાદે પાંચમી મિનિટમાં ગોલ કરીને ભારતને ફરીથી 2-1થી આગળ કર્યો હતો અને હાફ ટાઈમ સુધી તેણે લીડ જાળવી રાખી હતી.


હાફ ટાઈમ બાદ મલેશિયાના અકીમુલ્લાહ અનવરે 13મી મિનિટમાં બીજો ગોલ કર્યો, જ્યારે તેની ત્રણ મિનિટ બાદ અમીરૂલ અઝહરે ગોલ કરીને ટીમને લીડ અપાવી દીધી હતી. રમત પુરી થવાની બે મિનિટ બાકી હતી ત્યારે અનવરે પોતાનો બીજો અને ટીમનો ચોથો ગોલ લગાવીને ટીમને વિજય અપાવી દીધો હતો. 



મહિલાઓની ફાઈનલમાં આર્જેન્ટિનાએ દર્શકોના અપાર સમર્થન વચ્ચે પ્રભાવશાળી રમત દેખાડી હતી. ભારતે 49મી સેકન્ડમાં જ મુમતાઝ ખાન દ્વારા ગોલ કરીને દર્શકોને ચોંકાવી દીધા હતા. આર્જેન્ટિનાએ છઠ્ઠી મિનિટમાં જિયાનિલ પેલેટના ગોલની મદદથી લીડ અપાવી હતી. સોફિયા રામેલોએ 9મી મિનિટમાં પોતાની ટીમને લીડ અપાવી. હાફ ટાઈમ સુધી આર્જેન્ટિના 2-1થી આગળ હતી. બ્રિસા બ્રુગેસરે બીજા હાફની બીજી મિનિટમાં આર્જેન્ટિના ત્રીજો ગોલ કર્યો હતો.