બ્યુનસ આયર્સઃ ભારતના 16 વર્ષના શૂટર સૌરભ ચૌધરીએ બુધવારે આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સમાં ચાલી રહેલી યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો છે. સૌરભે 10મી. એર પિસ્ટલમાં મેન્સ ફાઈનલ ઈવેન્ટમાં 244.2 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ.કોરિયાનો સુંગ યુન્હો (236.7)એ પોઈન્ટ સાથે સિલ્વર મેડલ અને સ્વિટ્ઝરલેન્ડના જેસોન સોલારી (215.6) પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સૌરભે ફાઈનલમાં સુંદર શરૂઆત કરી હતી. તેણે પ્રથમ સ્ટેજમાં 101.6 પોઈન્ટ સાથે સોલારીને (98.7) પોઈન્ટ સાથે પાછળ રાખ્યો હતો. 


પ્રથમ બે રાઉન્ડમાં સૌરભ (142.4) શોટનો પરફેક્ટ 10 (10.4, 10.1, 10.3, 10.0)નો સ્કોર બનાવીને સોલારીથી 4.9 પોઈન્ટ આગળ નિકળી ગયો હતો. ત્યાર બાદ તેણે બધા જ રાઉન્ડમાં લીડ જાળવી રાખી હતી અને અંતમાં 10.0, 10.1, 10.7 અને 10.0ના છેલ્લા ચાર શોટ લગાવીને 244.2 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. 



આ અગાઉ સૌરભે એશિયન ગેમ્સ, જુનિયર વર્લ્ડ કપ અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. તે 245.5 પોઈન્ટ સાથે જુનિયરનો વર્લ્ડ રેકોર્ડ પણ ધરાવે છે, જે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બનાવ્યો હતો. 


યુથ ઓલિમ્પિકમાં ભારત માટે આ છઠ્ઠો ગોલ્ડ મેડલ આવ્યો છે અને શૂટિંગમાં ચોથો છે. આ અગાઉ મનુ ભાકરે 10મી એર પિસ્ટલમાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે સેહુ તુષાર માને અને મેહુલી ઘોષે સિલ્વર મેડલ અનુક્રમે પુરુષ અને મહિલા 10મી. એર રાઈફલ કેટેગરીમાં જીત્યો હતો.