Youth Olympic : 16 વર્ષની મનુ ભાકરે ભારતને શૂટિંગમાં અપાવ્યો પ્રથમ ગોલ્ડ
મનુ ભાકરે યુથ ઓલિમ્પિકમાં 10મી. એર પિસ્ટલમાં ગોલ્ડ જીત્યો, આ રમતોત્સવમાં શૂટિંગમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે
બ્યુનસ આયર્સઃ ભારતીય નિશાનેબાજ મનુ ભાકરે મંગળવારે યુથ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રમતોમાં શૂટિંગમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ છે. 16 વર્ષની મનુ આ રમતોત્સવમાં ભારતની ધ્વજવાહક પણ હતી. તે વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચુકી છે.
મનુએ 236.5 પોઈન્ટ બનાવીને જીત્યો ગોલ્ડ
હરિયાણાની મનુ બાકરે 236.5 પોઈન્ટ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મનુ ભાકર 576 પોઈન્ટ સાથે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ટોપ પર રહી હતી. રશિયાની ઈયાના ઈનિનાએ 235.9 પોઈન્ટ સાથે સિલ્વર અને નિનો ખુત્સબરિદ્ઝે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વિજય સાથે જ મનુ ભાકરે એશિયન ગેમ્સની નિરાશાને પાછળ છોડી દીધી હતી.
ફાનલમાં 10.0નો શોટ લગાવીને કરી શરૂઆત
મનુ ભાકરે 8 મહિલાઓ વચ્ચેની ફાઈનલમાં 10.0 પોઈન્ટ સાથે શરૂઆત કરી હતી. ત્યાર બાદ 10.1 અને 10.4 સ્કોર બનાવ્યા હતા. તે પ્રથમ રાઉન્ડ બાદ 99.3 પોઈન્ટ સાથે આગળ ચાલતી હતી. તેણે બીજા રાઉન્ડમાં 9.8ના બે સ્કોર બનાવ્યા હતા. ત્યાર બાદ તેણે ફરીથી 10.1 અને 9.9નું નિશાન લગાવીને લીડ જાળવી રાખી.
મેહુલી ઘોષે જીત્યો સિલ્વર
મનુ ભાકરથી પહેલાં મેહુલી ઘોષ મહિલાઓની 10 મીટર એર રાઈફલ શૂટિંગમાં 0,7 પોઈન્ટથી ગોલ્ડ મેડલ ચુકી ગઈ હતી. મેહુલીએ ફાઈનલમાં કુલ 248 પોઈન્ટ મેળવીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઈવેન્ટમાં ડેનમાર્કની ગ્રુંડસોઈ સ્કૂરાહ 248.7 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીતી ગઈ હતી. સર્બિયાની મારિઝા મલિકે 226.2 પોઈન્ટ સાથે બ્રોન્ઝ જીત્યો હતો.
ભારતને યુથ ઓલિમ્પિકમાં શૂટિંગનો પ્રથમ મેડલ શાનુ માનેએ અપાવ્યો હતો, જે પુરુષોની એર રાઈફલમાં બીજા સ્થાને રહ્યો હતો.