વિજય હજારે ટ્રોફી માટે પંજાબની ટીમમાં થઈ યુવરાજ સિંહની વાપસી
આ વર્ષે ન્યૂઝીલેન્ડમાં રમાયેલા અન્ડર-19 વિશ્વકપ ટીમના ત્રણ ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ વિશ્વ કપનો હીરો યુવરાજ સિંહ ફરી એકવાર ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવવા તૈયાર છે. લગભગ એક વર્ષ બાદ યુવરાજ સિંહની પંજાબની ટીમમાં વાપસી થઈ છે. યુવરાજને વિજય હજારે ટ્રોફી માટે જાહેર કરાયેલી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
પરંતુ યુવરાજની જેમ રાહ જોઈ રહેલા હરભજન સિંહને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. વિજય હજારે ટ્રોફી માટે જાહેર કરાયેલી ટીમની કમાન યુવા બેટ્સમેન મનદીપ સિંહને સોંપવામાં આવી છે. આઈપીએલથી પોતાના ઓળખ બનાવનાર મનદીપ સિંહ ટીમ ઈન્ડિયા માટે ત્રણ ટી-20 મચે રમી છે.
મનદીપ સિવાય ગુરકીરત માનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 16 સભ્યોની આ ટીમમાં આ વર્ષે ન્યૂઝીલેન્ડમાં રમાયેલા અન્ડર-19 વિશ્વકપ ટીમના ત્રણ ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. ટીમમાં શુભમન ગિલ, અર્શદીપ સિંહ અને અભિષેક વર્માને સામેલ કરવામાં આવ્યા છે. ગિલ આ પહેલા ભારત એ અને આઈપીએલમાં રમી ચુક્યો છે.
પરંતુ તમામની મેદાન પર વાપસી કરી રહેલા યુવરાજ પર છે. ટીમ ઈન્ડિયાના વર્લ્ડકપનો હીરો અને દેશ માટે 300થી વધુ વનડે રમનાર આ સ્ટારને તેના ચાહકો આગામી વિશ્વકપની ટીમમાં જોવા ઈચ્છે છે.
હાલમાં યુવરાજ સિંહે પોતાના સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે, તે એક નવી શરૂઆત માટે તૈયાર છે.
પંજાબની ટીમનો પ્રથમ મેચ કાલે એટલે કે 19 સપ્ટેમ્બરે હિમાચલ પ્રદેશ વિરુદ્ધ છે. ત્યારબાદ 21, 23, 24, 28, 02, 04 અને 8 ઓક્ટોબરે મેચ રમવાની છે.
પંજાબ ટીમઃ મનદીપ સિંહ (કેપ્ટન), ગુરકીરત સિંહ માન (વાઇસ કેપ્ટન), ગિતેશ ખેરા (વિકેટકીપર), શુભમન ગિલ, અનમોલપ્રીત સિંહ, મનન વોહરા, યુવરાજ સિંહ, શરદ લુમ્બા, સંવીર સિંહ, મયંક માર્કંડે, અર્ધસીપ સિંહ, અર્પિત પન્નૂ, અભિષેક શર્મા, સિદ્ધાર્થ કૌલ, મનપ્રીત સિંહ અને બરિંદર સિંહ સરન.