નિવૃતી બાદ યુવરાજે BCCI પાસે માગી ટી-20 લીગમાં રમવાની મંજૂરી
યુવરાજ સિંહ વિદેશી ટી20 લીગમાં રમવા માટે બીસીસીઆઈની મંજૂરી ઈચ્છી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ વિદેશી ટી-20 લીગમાં રમવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની મંજૂરી ઈચ્છે છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આઈએએનએસ સાથે વાત કરતા તેની ખાતરી કરી છે.
અધિકારીએ કહ્યું, 'ઘણી ટી-20 લીગ યુવરાજને ટૂર્નામેન્ટમાં રમાડવા માટે ઈચ્છુક છે અને યુવરાગે લીગમાં એક ફ્રીલાન્સ ક્રિકેટરના રૂપમાં રમતા પહેલા બીસીસીઆઈની મંજૂરી માગી છે.' યુવરાજ (37)એ પાછલા સપ્તાહે નિવૃતીની જાહેરાત કરી હતી.
યુવરાજે તે પણ જણાવ્યું હતું કે, તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમશે નહીં. પરંતુ તેણે અન્ય દેશોની લીગમાં રમવાની ઈચ્છા જાહેર કરી હતી.
યુવરાજે કહ્યું હતું, 'હું ટી20 ક્રિકેટ રમવા ઈચ્છુ છું. આ ઉંમરમાં આનંદ લેવા માટે થોડુ ક્રિકેટ રમી શકું છું. હું મારી જિંદગીનો આનંદ લેવા ઇચ્છુ છું. આંતરરાષ્ટ્રીય કરિયર અને આઈપીએલ જેવી મોટા ટૂર્નામેન્ટ વિશે વિચારતા જ થાક લાગી જાય છે. તેણે પોતાના કરિયરમાં 304 વનડે, 58 ટી20 અને 40 ટેસ્ટ મેચ રમી હતી.'