આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યુવરાજના નામે છે આ અનોખા વિશ્વ રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. યુવરાજના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાક અનોખા રેકોર્ડ પણ જોડાયેલા છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ફેન્સના દિલમાં 19 વર્ષ સુધી રાજ કર્યાં બાદ યુવરાજ સિંહે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે પોતાના ક્રિકેટ કરિયરમાં 17 વર્ષ આંતરરાષ્ટ્રીય કરિયરને આપ્યા અને આ દરમિયાન ઘણા એવા કારનારા કર્યા, જે ક્રિકેટ ઈતિહાસમાં મોટા-મોટા દિગ્ગજો પણ કરી શક્યા નથી. યુવરાજ સિંહના નામે એવા ઘણા રેકોર્ડ છે, જેને તોડવા ખુબ મુશ્કેલ છે. ભલે યુવરાજ સિંહના કરિયરમાં ઘણા ચઢાવ-ઉતાર રહ્યાં અને તેણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પરંતુ આ ભારતીય ખેલાડીની બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગના બધા દીવાના રહ્યાં હતા. જાણીએ યુવરાજ સિંહના તે રેકોર્ડ્સ વિશે, જેને તોડવા ખુબ મુશ્કેલ છે.
પ્રથમ વખત ફટકાર્યા એક ઓવરમાં છ છગ્ગા
યુવરાજ સિંહ એકમાત્ર એવો ખેલાડી છે, જેણે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં એક ઓવરમાં છ બોલ પર છ છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજ સિંહે 2007માં રમાયેલા ટી20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમતા ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડના છ બોલ પર છ છગ્ગા ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. યુવરાજ સિંહ આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો અને તેનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી. યુવરાજ સિંગના તે છગ્ગા જોઈને વિશ્વભરના ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા હતા.
'યોદ્ધા યુવરાજ અમને તમારા પર ગર્વ છે, દેશ તમારા યોગદાનને હંમેશા યાદ કરશે'
સૌથી ઓછા બોલમાં અડધી સદી
યુવરાજ સિંહે 2007 ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. યુવીએ માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારીને પોતાના ફેન્સને ખુશ કરી દીધા હતા. મહત્વનું છે કે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ક્રિસ ગેલે પણ 12 બોલ પર અડધી સદી ફટકારી છે.
શાનદાર ઓલરાઉન્ડર
યુવરાજ સિંહે ક્રિકેટ જગતનો પ્રથમ ઓલ રાઉન્ડર હતો, જેણે વિશ્વકપની એક સિઝનમાં 15 વિકેટ લેવાની સાથે 300થી વધુ રન ફટકાર્યા હોય. ઓલરાઉન્ડર રહેલા યુવરાજ સિંહ ઘણી એવી મેચ રમી, જેમાં તેણે શાનદાર બેટિંગની સાથે સારી બોલિંગ પણ કરી અને ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ રીતે યુવરાજ પહોંચ્યો સફળતાના શિખરે, આ ઈનિંગને યાદ રાખશે દુનિયા
આઈપીએલનો સૌથી મોટો ખેલાડી
યુવરાજ સિંહ આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી પણ રહ્યો છે. તે એક એવો ખેલાડી રહ્યો હતો, જેને આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખરીદવામાં આવ્યો હતો. વર્ષ 2015માં તેને દિલ્હી ડેયરડેવિલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.